Top In Ahmedabad

બેફામ કાર ચાલકે 2 હોમ ગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે, નશામાં ધૂત હોવાનું અનુમાન

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નબીરાઓ ફરી એકવાર બેફામ બન્યા હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક બ્રેઝા કારના ચાલકે સૌપ્રથમ 2 હોમ ગાર્ડ જવાનો સહિત કુલ 5  લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક હોમ ગાર્ડ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના બે તબક્કામાં બની હતી. પ્રથમ કાર ચાલકે અર્બન ચોકની સામેના રોડ પર ફરજ પર હાજર બે હોમ ગાર્ડ જવાનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક હોમ ગાર્ડ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે બીજી ઘટનામાં હોમ ગાર્ડ જવાનોને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગવા ગયો હતો. ત્યારે SP રિંગ રોડ પર ઊભેલા ત્રણ શ્રમિકોને પણ કારે અડફેટે લીધા હતા, જેના કારણે શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

શ્રમિકોને અડફેટે લીધા બાદ આ બેફામ બ્રેઝા કાર રોડની સાઇડ પર આવેલા એક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ અટકી હતી.

કાર ચાલક નશામાં હોવાનું અનુમાન

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રેઝા કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. કારમાં ચાલક સહિત કુલ ચાર લોકો સવાર હતા. ઇજાગ્રસ્ત થયેલા બંને હોમ ગાર્ડ જવાનોને તાત્કાલિક સારવાર માટે બોપલની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ શ્રમિકોને પણ સારવાર આપવામાં આવી છે.

પોલીસે ગંભીર અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત કુલ બે વ્યક્તિઓની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના Fresco 42 કાફેના CCTVમાં પણ રેકોર્ડ થઈ હતી, જે ફૂટેજ પોલીસે કબજે કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button