4 દિવસમાં 1200+ ફ્લાઇટ્સ રદ, સરકાર બેકફૂટ પર:વીકલી રેસ્ટ નિયમ તાત્કાલિક પાછો ખેંચાયો; દેશભરમાં ઇન્ડિગો પેસેન્જર પરેશાન


સરકારે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોને રોસ્ટર (ડ્યુટી ચાર્ટ) નિયમોમાંથી રાહત આપી છે. એરલાઇન શુક્રવારે સતત ચોથા દિવસે ક્રૂ મેમ્બર્સ (પાયલટ સહિત અન્ય ફ્લાઇટ સ્ટાફ)ની અછતનો સામનો કરતી જોવા મળી. આને કારણે શુક્રવારે દિલ્હી, બેંગલુરુ, પુણે, હૈદરાબાદ સહિતના ઘણા એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે.
એરપોર્ટ પર સ્થિતિ બદતર છે. યાત્રીઓને ફ્લાઇટ્સની જાણકારી મળી રહી નથી. પાણી, ભોજન અને જરૂરી સામાન માટે લોકો સ્ટાફ સાથે ઝઘડતા જોવા મળ્યા. ઘણી જગ્યાએ મારામારી જેવી સ્થિતિ સર્જાઈ. ઘણા એરપોર્ટ્સ પર લોકો 24-24 કલાકથી ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. સીડીઓ અને ખુરશીઓ પર બેસીને રાત વિતાવવા મજબૂર છે.
દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ આજે રાત્રે 12 વાગ્યા સુધી રદ કરી દેવામાં આવી છે. ગોવા એરપોર્ટ પર એક મહિલા યાત્રીએ જણાવ્યું, ‘અમે સવારે 5 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. એરપોર્ટ આવ્યા પછી ખબર પડી કે ફ્લાઇટ રદ થઈ ગઈ છે. ન કોઈ મેલ આવ્યો, ન કોઈ મેસેજ.’




