RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો, તો શું હોમ લોન-કાર લોન સસ્તી થશે?


આવનારા દિવસોમાં લોન સસ્તી થઈ જશે. વર્તમાન EMI પણ ઘટશે. RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3થી 5 ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ડિસેમ્બરે આ અંગે માહિતી આપી હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. એટલે કે, આવનારા દિવસોમાં હોમ અને ઓટો જેવી લોન 0.25% સુધી સસ્તી થઈ જશે.
તાજા ઘટાડા પછી 20 વર્ષની ₹20 લાખની લોન પર EMI 310 રૂપિયા સુધી ઘટશે. તેવી જ રીતે, ₹30 લાખની લોન પર EMI 465 રૂપિયા સુધી ઘટશે. નવા અને વર્તમાન ગ્રાહકો બંનેને તેનો લાભ મળશે.
રેપો રેટ ઘટ્યા પછી બેંકો પણ હાઉસિંગ અને ઑટો જેવા લોન પરના વ્યાજ દરો ઘટાડે છે. વ્યાજ દરો ઓછા થવાથી હાઉસિંગ ડિમાન્ડ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ મળશે.
RBI એ ફેબ્રુઆરીમાં યોજાયેલી મિટિંગમાં વ્યાજ દરોને 6.5% થી ઘટાડીને 6.25% કર્યા હતા. મોનેટરી પોલિસી કમિટીએ આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કર્યો હતો.
બીજી વખત એપ્રિલમાં યોજાયેલી મિટિંગમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડ્યો. જૂનમાં ત્રીજી વખત દરોમાં 0.50% ઘટાડો થયો. હવે ફરી એકવાર તેમાં 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે, મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ વખત વ્યાજ દરો 1.25% ઘટાડ્યા.
રેપો રેટ શું છે અને આમાં લોન કેવી રીતે સસ્તી થાય છે?
RBI જે વ્યાજ દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ ઘટાડવાનો અર્થ એ છે કે બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળશે. જ્યારે બેંકો સસ્તી લોન મેળવે છે, ત્યારે તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે. આનો અર્થ એ છે કે બેંકો પણ તેમના વ્યાજ દર ઘટાડે છે.




