National

 ક્રિસમસ-ન્યૂ યર પર દેશના આ શહેરમાં હવે નહીં ફૂટે ફટાકડા, જાણો કેમ

વર્ષ 2025 ખતમ થવા આવ્યું છે, ત્યારે ઠેકઠેકાણે ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીની તૈયારીઓ થઈ રહી છે. દેશની રાજધાની દિલ્હી પણ નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. આખા દિલ્હીમાં ક્લબ્સ, રેસ્ટોરન્ટ અને બાર ક્રિસમસ અને ન્યુયરની ઉજવણી માટે તૈયાર છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે તંત્ર દ્વારા ગોવામાં નાઇટક્લબમાં થયેલા અગ્નિકાંડની ઘટનાને ધ્યાને લઈને આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેવામાં આવ્યા છે. આ વખતે પાર્ટીમાં ફટાકડા ફોડવા પર સખાત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગોવામાં ગયા શનિવારે 6 ડિસેમ્બરની રાતે એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. આ ઘટનાથી બધા હચમચી ગયા હતા. ત્યારે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, દિલ્હી એક્સાઈઝ વિભાગે નિર્ણય લીધો છે કે પાર્ટી કરતી વખતે સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

દિલ્હી એક્સાઈઝ વિભાગ દ્વારા 10 ડિસેમ્બરે જારી કરાયેલા એક આદેશમાં તમામ હોટેલ, ક્લબ અને રેસ્ટોરન્ટ (HCR) લાઇસન્સ ધારકોને ચેતવણી આપવામાં આવી છે. તેમને જણાવવામાં આવ્યું છે કે હંમેશા માન્ય ફાયર NOC જાળવવામાં આવે અને ફાયર સેફ્ટી સિસ્ટમ્સ સંપૂર્ણપણે કાર્યરત હોવાની ખાતરી કરે. આ સિવાય પરિસરમાં કોઈપણ પ્રકારના ફટાકડા કે પછી પરંપરાગત હોય કે ઇલેક્ટ્રિક, બધા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો આમાં કોઈ પણ પ્રકારની ચૂક થઈ તો દિલ્હી એક્સાઇઝ એક્ટ 2009 અને નિયમો 2010 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અથવા કેન્સલ પણ કરી શકાય છે.

દિલ્હી શહેરમાં આશરે 950 રેસ્ટોરન્ટ, બાર અને ક્લબ એક્સાઇઝ વિભાગમાં નોંધાયેલા છે. ખાસ વાત એ છે કે, 90 ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાર ધરાવતી તમામ સંસ્થાઓએ તેમના ફાયર NOC સમયસર રિન્યુ કરાવવા જરૂરી છે. કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button