1 જાન્યુઆરીથી અમદાવાદમાં167 ટ્રેનોના સમયમાં ફેરફાર, 110 ટ્રેનો વહેલી પહોંચશે


ભારતમાં દરરોજ લાખો યાત્રીકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે ત્યારે મુસાફરોની સુવિધામાં વધારો કરવા 167 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. 1 જાન્યુઆરી 2026થી આ રેલવેનું નવું સમયપત્રક લાગુ પડવાનું છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા ટ્રેનોની સ્પીડ વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના નવા સમયપત્રક મુજબ સ્પીડ વધવાને કારણે વિવિધ સ્ટેશનો પર 110 જેટલી ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા 5 થી 40 મિનિટ વહેલી પહોંચશે. બીજી તરફ 57 ટ્રેન પોતાના હાલના સમય કરતા 5 થી 45 મિનિટ મોડી દોડશે.

અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો હોવાથી 1 જાન્યુઆરીથી કુલ 167 ટ્રેનોના સમયપત્રકમાં 5 થી લઈને 45 મિનિટ સુધીનો ફેરફાર થશે. રેલવે વિભાગે દાવો કર્યો છે કે આ ફેરફારને કારણે મુસાફરોનો કિંમતી સમય બચશે.
આ સમય ફેરફારની અસર અમદાવાદના કાલુપુર મુખ્ય રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભુજ સહિતના સ્ટેશનો પર થશે. પશ્ચિમ રેલવેએ કુલ 89 ટ્રેનની ગતિમાં 5 કિમીથી લઈને 66 કિમી પ્રતિ કલાક સુધીનો વધારો કર્યો છે.





