સોમનાથમાં ભવ્ય ડ્રોન શો, વીર હમીરજી ગોહિલ-અહિલ્યાબાઈની ઝાંખી, સૂર્યમંડળના દર્શન, PM મોદી અભિભૂત

સોમનાથની પવિત્ર ભૂમિ પર અસાધારણ આધ્યાત્મિક અને ઐતિહાસિક માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન હેલીકોપ્ટર દ્વારા રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
સોમનાથ મંદિરના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન મોદીએ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી.
બેઠક પૂર્ણ થયા બાદ તેઓ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર તરફ પગપાળા ગયા હતા. આ તરફ દિગ્વિજય દ્વાર પાસે સાધુ-સંતોના આશીર્વાદ અને અભિવાદન સાથે તેમનું ભવ્ય સ્વાગત થયું.
વડાપ્રધાન મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને જલાભિષેક કર્યો અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ અને ‘મોદી મોદી’ના ગગનભેદી નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.
સાંજે સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલ ભવ્ય ડ્રોન-શેાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આકાશમાં ડ્રોન દ્વારા કુમારપાળ, અહિલ્યાબાઈ હોલ્કર અને હમીરજી ગોહિલ જેવી ઐતિહાસિક વ્યક્તિત્વોની ઝાંખી રજૂ કરવામાં આવી.
સાથે નવગ્રહોના દર્શન અને સોમનાથના ગૌરવભર્યા ઇતિહાસને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરવામાં આવ્યો. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આ અનોખો ડ્રોન શો નિહાળ્યો.




