GUJARAT

 PM મોદી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા, બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ગાંધી આશ્રમની શાંતિપૂર્ણ પરિસરમાં બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ.

આ મુલાકાત બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે ઔપચારિક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વિકાસ પ્રોજેક્ટ્સ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે ભારત પ્રવાસ દરમિયાન સીધા અમદાવાદ આવ્યા હતા. તેમના આગમન સમયે ITC નર્મદા હોટલમાં પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી.

મોદી અને મર્ઝની અમદાવાદ મુલાકાત દરમિયાન શહેરમાં હવા પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. હાલ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 233 સુધી નોંધાયો છે, જે આરોગ્ય માટે ચિંતાજનક ગણાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર સહિતના વીવીઆઈપી આગમનને કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં બે દિવસ માટે આશરે 40 જેટલી બાંધકામ સાઇટો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે રોડ અને બ્રિજના કામ પણ અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યા છે, જેથી હવામાં ઉડતા રજકણો ઓછા થાય. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો, બગીચા અને ખુલ્લા મેદાનોમાં પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં બાંધકામ ચાલુ હતું ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેથી ધૂળ અને પ્રદૂષણ પર નિયંત્રણ રાખી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button