T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે બાંગ્લાદેશ? ICCએ ચોખ્ખા શબ્દોમાં આપી ચેતવણી


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી કડક શબ્દોમાં અલ્ટિમેટમ મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, આગામી T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી રહેશે. એટલે કે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ રમશે કે નહીં તે નક્કી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી રહેશે.
શનિવારે ICCના પ્રતિનિધિમંડળે ઢાંકામાં બીજી વખત બેઠક યોજી હતી, જ્યાં BCBએ T20 વર્લ્ડ કપ 2026 રમવાની ઇચ્છા ફરી એકવાર વ્યક્ત કરી હતું, પરંતુ ભારતમાં રમવા આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન બાંગ્લાદેશે સુરક્ષાના કારણોનો હવાલો આપ્યો હતો અને વૈકલ્પિક સ્થળની માંગ કરી હતી. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પોતાના મૂળ કાર્યક્રમ પર અડગ રહ્યું હતું, જેમાં ગ્રુપ Cમાં સામેલ બાંગ્લાદેશને મુંબઈ અને કોલકાતામાં પોતાની મેચ રમવાની છે.
આ વિવાદ લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે. આની શરૂઆત ત્યારે થઈ જ્યારે BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સને મુસ્તાફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને જણાવ્યું કે ‘અમે ભારતમાં વર્લ્ડ કપની મેચ રમવા આવવા માંગતા નથી અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ટુર્નમેન્ટમાંથી હટી જઈશું.’ આ મુદ્દો સૌપ્રથમ 4 જાન્યુઆરીએ ઉઠાવવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ICCએ બાંગ્લાદેશની એ માંગ પણ નકારી કાઢી છે કે તેમની ટીમનું ગ્રુપિંગ આયર્લેન્ડ સાથે બદલી નાખવામાં આવે. આયર્લેન્ડની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. ICCએ BCBને એ પણ ભરોસો આપ્યો છે કે ભારતમાં બાંગ્લાદેશનની ટીમની સુરક્ષાને લઈને કોઈ ખતરો નથી.
હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 21 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે, પરંતુ જો બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાં ભાગ ન લીધો તો ICC વર્તમાન રેન્કિંગના આધારે કોઈ વૈકલ્પિક ટીમને સામેલ કરશે – જેમાં સ્કોટલેન્ડને ફાયદો થઈ શકે છે.




