Top In Ahmedabad

AMC ની મોટી ડ્રાઈવ: પ્રેમચંદનગર, ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં 33 PG ને સીલ માર્યા

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ બાદ, આજે કોર્પોરેશનની ટીમે પ્રેમચંદનગર અને ઘાટલોડિયા જેવા મુખ્ય વિસ્તારોમાં ત્રાટકીને ૩૩ જેટલા PG એકમોને સીલ મારી દીધા છે.

મળતી વિગતો અનુસાર, આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને મ્યુનિસિપલ બાયલોઝનું પાલન ન થવું તે છે. રહેણાંક મકાનોમાં વ્યવસાયિક ધોરણે ચાલતા આ PG માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો રહેતા હોય છે, પરંતુ તેમની સુરક્ષા માટે જરૂરી ફાયર NOC લેવામાં આવી ન હતી.

AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ આ PG સંચાલકોને અગાઉ અનેકવાર નોટિસ આપીને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને સેફ્ટીના નિયમોનું પાલન કરવા જણાવાયું હતું. મુદત પૂરી થયા બાદ પણ સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સવારથી જ સીલિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. પ્રેમચંદનગર ખાતે જ મકાનોમાં ચાલતા ૩૩ જેટલા PG ને સીલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અન્ય સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

PG સંચાલકો માટે ચેતવણી

AMC એ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં જ્યાં પણ રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે અથવા સુરક્ષાના માપદંડો વિના PG ચલાવવામાં આવે છે, તેમની સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. રહેવાસીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button