પ્રધાનમંત્રી મોદી 28 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, સાણંદ પહોંચીને કરશે આ કામ


PM મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વાસ્તવમાં આગામી 28 ફેબ્રુઆરીએ PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થાપિત થયેલા માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
Micron Technologyની સહાયક કંપની દ્વારા સાણંદમાં આશરે રૂ. 22,516 કરોડના રોકાણ સાથે આ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દેશને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.
નવા પ્લાન્ટના પ્રારંભથી આશરે 2,000 લોકોને સીધી રોજગારી મળશે. ઉપરાંત, પરોક્ષ રીતે હજારો લોકો માટે રોજગાર અને વ્યવસાયની નવી તકો ઊભી થશે. સ્થાનિક યુવાનો માટે આ એક મોટી તક સાબિત થશે.
આ પ્લાન્ટમાં મુખ્યત્વે સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD), હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (HDD), રેમ અને અન્ય મેમરી પ્રોડક્ટ્સ ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. આ ઉત્પાદનો ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રમાં વધતી જતી મેમરી અને સ્ટોરેજની માંગને પહોંચી વળવામાં મદદરૂપ બનશે.સાણંદ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગ ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. માઇક્રોનનો આ પ્લાન્ટ ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે. રાજ્યના વિકાસમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




