ઉનાળામાં ઠંડું પીણું પીતા પહેલા ચેતજો! વડોદરામાં રૂ. 10ના કોલ ડ્રિન્ક પેકમાંથી નીકળ્યો દેડકો


શું તમે પણ ઉનાળામાં ઠંડક મેળવવા માટે ઠંડા પીણા પીવો છો? જો હા, તો વડોદરાનો આ કિસ્સો તમારા માટે ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે. વડોદરામાં રૂ. 10ના કોલ ડ્રિન્ક પેકમાંથી દેડકા જેવી જીવાત નીકળતા હડકંપ મચ્યો છે. ચોંકાવનારી વાત એ છે, નાના બાળકે આ કોલડ્રિન્ક પેક અડધું પી લીધા બાદ આ ગંભીર માહિતી સામે આવી હતી. જેથી બાળકના પિતા કોલડ્રિન્ક પેક સાથે તેમના બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ડોક્ટરોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાર ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે. ત્યારે આ ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. આવી જ રીતે વડોદરામાં પણ એક નાનકડા બાળકે સામાન્ય દુકાનમાંથી રૂ. 10ની કિંમતે મળતી Mazaનું ટેટ્રા પેક(ઠંડું પીણું) ખરીદીને પીવાની શરૂઆત કરી હતી. જોકે આ ઠંડુ પીણું અડધું ખતમ થઈ ગયા બાદ તેમાં કોઈ દેડકા જેવી જીવાત દેખાતા ભારે હડકંપ મચ્યો હતો.
બાળકે પીણું અડધું પીધા બાદ અંદર અજીબ વસ્તુ દેખાતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બનાવને ગંભીરતાથી લઈને બાળકના માતા-પિતા બાળકને લઈને તરત જ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. પરિવાર જીવાતવાળું Mazaનું ટેટ્રા પેક પણ હોસ્પિટલમાં સાથે લઈને આવ્યો હતો અને સમગ્ર મામલે SSG હોસ્પિટલના ડોક્ટરોને વિગતે માહિતી આપી હતી.
બનાવની જાણ થતા જ બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં આ બાળકના પિતા વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી ડોક્ટરની હાજરીમાં કાતર વડે ટેટ્રા પેક તોડ્યું હતું. જેમાં ટેટ્રા પેક અંદર દેડકા જેવું જીવાત હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ઘટનાને લઈને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં ચકચાર મચી છે. આ ઘટનાના સમાચાર હાલ વાયુવેગે સમગ્ર વડોદરામાં ફેલાતા આ કિસ્સો હાલ ઉનાળામાં ઠંડું પીણું પીવાના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહ્યો છે




