ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર, LPG ગેસ લઈને જહાજ ‘શિવાલિક’ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું


ગુજરાત સહીત દેશમાં ગેસ પુરવઠા અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મિડલ ઈસ્ટમાંથી મોટી માત્રામાં LPG લઈને આવતું જહાજ હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુંદ્રા પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજનું નામ Shivalik LPG Carrier છે, જે ફારસની ખાડીમાંથી ગેસનો જથ્થો લઈને ભારત તરફ આવ્યું છે. યુદ્ધ વચ્ચે પહેલું ભારતીય જહાજ LPG લઈને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે. વિગતો મુજબ આ જહાજમાંં 32.4 લાખ સિલિન્ડર જેટલો ગેસ છે.
માહિતી મુજબ આ જહાજ લગભગ 45 હજાર મેટ્રિક ટન LPG ગેસ લઈને આવ્યું છે. આ ગેસ Qatarમાંથી લાવવામાં આવ્યો છે, જે દેશના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ આ જહાજ મુંદ્રા પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે અને આજે પોર્ટ પર પહોંચવાની શક્યતા છે.
આ જહાજ માટે મુસાફરી સરળ નહોતી. તેને મિડલ ઈસ્ટના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ Strait of Hormuzમાંથી પસાર થવું પડ્યું હતું. હાલમાં આ વિસ્તારમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સુરક્ષા સંબંધિત પડકારો ઊભા થયા છે. છતાં પણ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે જહાજ સફળતાપૂર્વક ભારત તરફ આગળ વધ્યું છે. સૂત્રો મુજબ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધજહાજોની સુરક્ષા હેઠળ આગળ લાવવામાં આવ્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે જહાજ સલામત રીતે મુંદ્રા પોર્ટ સુધી પહોંચી રહ્યું છે.
આ ઉપરાંત ગેસ પુરવઠા માટે એક વધુ મહત્વપૂર્ણ જહાજ Nanda Devi LPG Carrier પણ ભારત તરફ આવી રહ્યું છે. આ જહાજ આવતીકાલે મુંદ્રા પોર્ટ પર પહોંચવાની શક્યતા છે. બંને જહાજો દ્વારા લાવવામાં આવેલા ગેસના જથ્થાથી દેશના ગેસ પુરવઠામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ ગેસનો જથ્થો ભારત માટે ખૂબ મહત્વનો છે, કારણ કે હાલ ગેસની માંગ વધતી જઈ રહી છે. મિડલ ઈસ્ટમાંથી આવતો આ પુરવઠો દેશના ઉદ્યોગો અને ઘરેલુ વપરાશ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.




