Top In Ahmedabad

 અમદાવાદમા બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

સુરતની ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદમાં પણ હુમલાનો બનાવ બન્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલી હીરાવાડી પાસે ભોમિયા ડેરી નજીક ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો થયો છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ટ્યૂશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી દીધો હતો.  હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હુમલાની આ ઘટનાથી ચારે તરફ ચકચાર મચી જવા પામી હતી. નોંધનિય છે કે, શાળાઓ અને ટ્યૂશન ક્લાસની બહાર વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય છે. 

તો આ હુમલાની ઘટના અંગે પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસે કહ્યું કે, બન્ને વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. હુમલો કરનાર વિદ્યાર્થીની પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત ટ્યૂશન સંચાલકનું પણ નિવેદન નોંધવામા આવશે. નોંધનિય છે કે, ટ્યુશન ક્લાસમાં બેસવાની નજીવી બાબતે ધોરણ 11માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના હીરાવાડી વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં રૂમ બદલવા બાબતે શરૂ થયેલું મનદુઃખ એટલું વધી ગયું કે એક વિદ્યાર્થીએ તેના સાથીદાર પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પેટના ડાબા ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 15 માર્ચના રોજ ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી ભોગ બનનાર સગીરે તેના સાથી વિદ્યાર્થીને બીજા રૂમમાં બેસવાનું કહ્યું હતું, જે વાતનું ખાર રાખી આરોપીએ હીરાવાડી નજીક ભોમિયા ડેરી પાસે વિદ્યાર્થીને આંતર્યો હતો. અહીં ફરીથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે પોતાની પાસે રહેલો છરો કાઢીને વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અન્ય મિત્રોની મદદથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવોમાં થઈ રહેલો વધારો વાલીઓ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની હિંસક ઘટના બની ચૂકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button