National

અમેરિકાના ડરથી પાકિસ્તાને ભારતને આપી ગીધડભભકી, કહ્યું- ‘અમે મુંબઈ-દિલ્હી પર કરીશું હુમલો’

Oplus_131072

કહેવાય છે કે ‘ઘરમાં નથી દાણા અને અમ્મા ચાલી દળવા’ આ કહેવત અત્યારે પાકિસ્તાન પર બરાબર બેસે છે. એક તરફ પાકિસ્તાન દુનિયા પાસે લોન માટે કરગરી રહ્યું છે અને બીજી તરફ તેના પૂર્વ રાજદ્વારીઓ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક ઈન્ટરવ્યુમાં પોતાની ખ્યાલી દુનિયાનું પ્રદર્શન કરતા કહ્યું કે, જો ભવિષ્યમાં અમેરિકા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાની કોશિશ કરે અથવા હુમલો કરે, તો પાકિસ્તાને વિચાર્યા વગર ભારત પર તૂટી પડવું જોઈએ. બાસિતે અત્યંત બિનજવાબદાર રીતે કહ્યું કે, અમેરિકા તો અમારી મિસાઈલ રેન્જમાં નથી, એટલે આપણે સીધો ભારત પર હુમલો કરી દેવો જોઈએ.

બાસિતે પોતાના નિવેદનમાં આગળ વધતા મુંબઈ અને દિલ્હી જેવા ભારતીય મહાનગરો પર હુમલો કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા કે ઈઝરાયેલ સુધી પહોંચવું પાકિસ્તાન માટે શક્ય નથી, તેથી ભારત પર હુમલો કરવો એ જ એકમાત્ર રસ્તો છે. આ નિવેદન પાકિસ્તાનની એ માનસિકતા દર્શાવે છે જેમાં તેઓ હંમેશા ભારતને સોફ્ટ ટાર્ગેટ માને છે. જોકે, બાસિત કદાચ એ ભૂલી ગયા છે કે 1965, 1971 અને 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને કેવો કારમો પરાજય મળ્યો હતો. 1971માં 93,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સામે કરેલું આત્મસમર્પણ ઈતિહાસના પાનાઓમાં આજે પણ અંકિત છે.

અબ્દુલ બાસિતને અત્યારે અમેરિકાના હુમલાનો ડર કેમ સતાવી રહ્યો છે, તેની પાછળનું કારણ અમેરિકાની ગુપ્તચર વડા તુલસી ગબ્બાર્ડનો રિપોર્ટ છે. તુલસી ગબ્બાર્ડે તાજેતરમાં જ અમેરિકી સેનેટમાં રજૂ કરેલા રિપોર્ટમાં પાકિસ્તાનને અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા ચિંતાનો વિષય છે અને પાકિસ્તાન અત્યંત ઝડપથી એડવાન્સ મિસાઈલ ડિલિવરી સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આ રિપોર્ટ બાદ પાકિસ્તાની શાસકોમાં ફફડાટ ફેલાયો છે કે ક્યાંક અમેરિકા તેમના પરમાણુ હથિયારો છીનવી ન લે અથવા તેના પર સર્જિકલ સ્ટ્રાઈક ન કરી દે.

ભારતીય સંરક્ષણ નિષ્ણાતો બાસિતના આ નિવેદનને માત્ર હતાશા ગણાવી રહ્યા છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની સૈન્ય તાકાત પાકિસ્તાન કરતા અનેકગણી વધારે છે. પાકિસ્તાન જ્યારે આંતરિક વિખવાદ, આતંકવાદ અને આર્થિક પતનનો સામનો કરી રહ્યું છે, ત્યારે આવા ઉશ્કેરણીજનક નિવેદનો માત્ર જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. અબ્દુલ બાસિતે ભલે મુંબઈ-દિલ્હી પર હુમલાની વાતો કરી હોય, પણ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન આજે એક કિલો લોટ માટે લાઈનોમાં ઉભું છે. ભારત પર હુમલો કરવાની વાત તો દૂર, પાકિસ્તાન અત્યારે પોતાની સરહદો સાચવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button