Top In Ahmedabad

હવેથી અમદાવાદમાં ગેરકાયદે વૃક્ષો કાપનારની ખેર નહીં, કરાશે કાર્યવાહી

અમદાવાદ શહેરમાં પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વધુ સક્રિય બની છે. શહેરના મેયરે આજે ગ્યાસપુર અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ ગ્રીન પ્રોજેક્ટ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મેયરે ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ હેઠળ કરવામાં આવેલા વૃક્ષારોપણની સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ પાસેથી વૃક્ષોના વિકાસ, જાળવણી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મેયરે જણાવ્યું હતું કે શહેરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે.

નિરીક્ષણ દરમિયાન ગેરકાયદે રીતે વૃક્ષો કાપવાના બનાવોને લઈને પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મેયરે સ્પષ્ટ જણાવ્યું હતું કે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

AMC દ્વારા ગેરકાયદે વૃક્ષો કાપનારાઓ સામે સીધો ગુનો નોંધાય તેવી જોગવાઈ કાયદામાં ઉમેરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સાથે જ વર્તમાન કાયદામાં જરૂરી સુધારા કરવા માટે પણ રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવાની તૈયારી હાથ ધરાઈ છે.

મેયરે જણાવ્યું હતું કે શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે અને અમદાવાદને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે AMC પ્રતિબદ્ધ છે.આ બાબતે અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આપ જોઈ શકો છો તે આ વૃક્ષારોપણ ગત વર્ષનું છે. જે રીતે વૃક્ષારોપણની સ્થિતિ અને આગામી 5 જૂને વિશ્વ પર્યારવણની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષ વૃક્ષારોપણ કર્યા છે. અને ભૂતકાળમાં જે કર્યા છે ત્યાં અધિકારીઓ તેમજ અમારી ટીમ સાથે નિરીક્ષણ કરી રહ્યા છીએ. જ્યાં જરૂરીયાત લાગી તે નવી જગ્યાઓ પણ શોધવાનું ચાલું છે. અમદાવાદનું ગ્રીન કવર વધારવા માટે હરિયાળુ અમદાવાદ બનાવવાનો પ્રયત્ન અમારા કાર્યકાળમાં કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button