જેનો ડર હતો એ જ થશે ! ચૂંટણી પછી પેટ્રોલમાં 18 તો ડીઝલમાં 35 રૂપિયાનો થઈ શકે છે વધારો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો


ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹35 સુધીનો વધારો થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીના અહેવાલમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પરિણામે, પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા પછી આ કંપનીઓ ભાવમાં વધારો કરી શકે છે.
ક્રૂડ ઓઈલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલ પર 35 રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. ગત મહિનાના પિક પર દેશની 3 કંપનીઓ દરરોજ 2400 કરોડનું નુક્સાન સહન કરી રહી હતી. એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયાના ઘટાડા બાદ આ ખોટ ઘટીને 1600 કરોડ રૂપિયા રહી ગઈ છે. 10 ડોલરના ઉછાળામાં નુક્સાન લગભગ પ્રતિ લિટર 6 રૂપિયા વધી જાય છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા 46 દિવસમાં 27 ડોલરનો વધારો થયો છે. 27 ફેબ્રુઆરીએ ભાવ 73 ડોલર પ્રતિ બેરલ હતા, જે 19 માર્ચે 120 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયા હતા. આજનો ભાવ 100 પ્રતિ બેરલ ડોલર પ્રતિ બેરલ છે.
ભારત પોતાની જરૂરિયાતના 88 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જેમાં 45 ટકા મિડલ ઈસ્ટ અને 35 ટકા રશિયાથી આવે છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ એ ફક્ત તેલ કંપનીઓ જ નહીં દેશની જીડીપી પર પણ અસર કરી શકે છે. એવો અંદાજ છે કે 2026માં પ્રથમ ત્રિમાસિકમાં આ ઘટાડો વધીને 20 અબજ ડોલરે પહોંચી શકે છે.
સરકારની આવકમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડને કારણે ઘટી રહી છે. 2017માં આવકનો રેશિયો 22 ટકા હતો હવે એ ઘટીને 8 ટકા રહી ગયો છે. જો સરકાર એક્સાઈઝ ડ્યૂટી હટાવી પણ દે તો પણ હાલની કિંમતો જોતાં ઓઇલ કંપનીઓને થતુ નુક્સાન સરભર કરી શકાય એમ નથી. અમેરિકામાં પેટ્રોલના ભાવ 2022 બાદ પહેલીવાર 3 ડોલર પ્રતિ ગેલને પહોંચી ગયા છે. પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા સહિતના પડોશી દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.




