દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, 8નાં મોત:24 ઘાયલ, પાર્ક કરેલા 3 અન્ય વાહનોમાં આગ

સોમવારે સાંજે 6:55 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે નજીકમાં પાર્ક કરેલી ત્રણ અન્ય ગાડીઓ પણ બળી ગઈ.
વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા. 24 ઘાયલ છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. સમાચાર એજન્સી ANI અનુસાર, ઘણા ઘાયલોને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે હાજર છે. નજીકના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી-મુંબઈમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
લોક નાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે ANIને જણાવ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા 15 લોકોને લોક નાયક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમાંથી આઠ લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયા હતા. ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. એકની હાલત સ્થિર છે.
મેટ્રો સ્ટેશન નજીક એક દુકાનદારે કહ્યું, “મેં મારા જીવનમાં આટલો જોરદાર વિસ્ફોટ ક્યારેય સાંભળ્યો નથી. વિસ્ફોટને કારણે હું ત્રણ વાર નીચે પડી ગયો. એવું લાગ્યું કે બધા મરી જઈશું.”




