GUJARAT

ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહો, તાપમાન પહોંચશે 44 ડિગ્રીને પાર

 ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળશે તેવી ચેતવણી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે, મે મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હવે 11 મે થી 20 મે વચ્ચે ગરમી વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ તાપમાન આકરા સ્તરે પહોંચવાની શક્યતા છે.

કચ્છ વિસ્તારમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેશે અને ત્યાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ગરમી સાથે સાથે પવનનું પણ જોર રહેશે, જેના કારણે ઉકળાટનો અનુભવ વધુ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે, ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું અને પૂરતું પાણી પીવું.

આગાહી મુજબ 23 મે આસપાસ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ રૂપે રાહત આપી શકે છે. 25 મે થી 7 જૂન વચ્ચે આવતું રોહિણી નક્ષત્ર પણ હવામાનમાં ફેરફાર લાવી શકે છે. જો આ સમયગાળાની શરૂઆતમાં વરસાદ પડે તો પવન વધુ ફૂંકાઈ શકે અને વરસાદ પાછળ ખસે તેવી શક્યતા છે, જ્યારે અંતિમ તબક્કામાં વરસાદ આવે તો તે સારા સંકેત માનવામાં આવે છે. તે ઉપરાંત, 15 મે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવામાનિક હલચલ વધવાની શક્યતા છે, જેનાથી વાવાઝોડું સર્જાઈ શકે છે. દક્ષિણ ભારતના છેડે 25 મે આસપાસ ચોમાસું પ્રવેશવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button