GUJARAT

અંગ દઝાડતી ગરમી માટે તૈયાર રહો, પારો પહોંચશે 46 ડિગ્રીને પાર

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમી પોતાનું આક્રમક સ્વરૂપ દેખાડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે.

અમદાવાદ શહેર માટે પણ 11થી 13 મે દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વધતી ગરમીને કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાન સતત ચાર દિવસ સુધી અત્યંત ઊંચું રહેવાની શક્યતા હોવાથી બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે.

આ તરફ ગરમીની આ તીવ્રતા વચ્ચે હવે દેશભરમાં ચોમાસાને લઈને આશાજનક સંકેતો મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસું સમયસર આગળ વધી રહ્યું છે અને કેરળમાં પહેલી જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. તે પહેલાં 20 મેની આસપાસ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. હાલમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરી જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદના છાંટા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ માને છે કે આ પરિસ્થિતિ ચોમાસું સમયસર આવવાની સ્પષ્ટ નિશાની છે.

વિશ્વના હવામાન ચક્ર સાથે ભારતના ચોમાસાનો પણ ઊંડો સંબંધ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં વરસાદી મોસમ પૂર્ણ થતાં ભૂમધ્યરેખા નજીકનો વરસાદી પટ્ટો ઉત્તર તરફ ખસે છે. આ જ સિસ્ટમ ધીમે-ધીમે ભારતીય ઉપખંડ તરફ ભેજવાળી હવાઓને ખેંચે છે અને ચોમાસાની પ્રક્રિયા મજબૂત બને છે. હાલ દેશમાં એક તરફ તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ, આંધી અને કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. નિષ્ણાતો મુજબ આ સમગ્ર પરિસ્થિતિ ઋતુ પરિવર્તનનો ભાગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button