Business

15 મે પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, ઓઈલ કંપનીઓને મહિને ₹30,000 કરોડનું નુકસાન 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પ્રભાવિત થયું છે, જે વિશ્વના કુલ તેલ પુરવઠાના 20% હિસ્સો ધરાવે છે. આ સંઘર્ષને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ટૂંકા ગાળામાં જ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 126 ડોલર સુધી પહોંચી ગયા હતા જે હાલમાં 101 ડૉલરની આજુબાજુ ચાલી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમતોમાં ભારે ઉછાળો આવતા અનેક દેશોમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 15 મે પહેલા વધી શકે છે. હાલમાં ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ (OMCs) પ્રતિ માસ આશરે ₹30,000 કરોડનું નુકસાન વેઠી રહી છે. કાચા તેલના ભાવ વધવા છતાં ભારતમાં પેટ્રોલ સરેરાશ ₹95 આસપાસ સ્થિર રહ્યું છે, પરંતુ કંપનીઓ પર વધતા આર્થિક બોજને કારણે હવે ભાવ વધારો અનિવાર્ય જણાઈ રહ્યો છે.

જ્યાં હોંગકોંગમાં પેટ્રોલ ₹295 અને બ્રિટનમાં ₹195 પ્રતિ લિટર પહોંચ્યું છે, ત્યાં ભારતે રશિયા અને પશ્ચિમ આફ્રિકાથી આયાત વધારીને પુરવઠો જાળવી રાખ્યો છે. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને સામાન્ય જનતા પરનો બોજ હળવો કર્યો છે. અત્યારે ભારતીય રિફાઇનરીઓ 100% થી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે અને ઘરેલું એલપીજી ઉત્પાદન પણ વધારીને 54,000 ટન પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. જોકે, જો આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડો નહીં થાય, તો આગામી સપ્તાહમાં ભારતીય ગ્રાહકોએ મોંઘા ઇંધણ માટે તૈયાર રહેવું પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button