Business

અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?

દિલ્હી-NCRમાં રહેતા સામાન્ય લોકોના ઘરના બજેટ પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય 14 મે, 2026 થી અમલમાં આવશે. ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાના ખર્ચમાં થયેલા સતત વધારાને કારણે કંપનીએ આ ભાવવધારો કરવો પડ્યો હોવાનું જણાવ્યું છે.

નવા ભાવ લાગુ થયા બાદ હવે ગ્રાહકોએ દૂધ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. મધર ડેરીના નવા રેટ લિસ્ટ મુજબ, ટોકન દૂધ હવે 56 રૂપિયાને બદલે 58 રૂપિયા પ્રતિ લિટરમાં મળશે. ફુલ-ક્રીમ દૂધનો ભાવ 70 રૂપિયાથી વધીને 72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. તેવી જ રીતે, ટોન્ડ દૂધ હવે 58 ના બદલે 60 રૂપિયા અને ડબલ ટોન્ડ દૂધ 52 ના બદલે 54 રૂપિયા પ્રતિ લિટરમાં ઉપલબ્ધ થશે. ગાયના દૂધ અને પ્રો મિલ્કના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થતા તે અનુક્રમે 62 રૂપિયા અને 72 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.આ ભાવવધારા અંગે સ્પષ્ટતા કરતા મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાના ભાવમાં (પ્રોક્યોરમેન્ટ કોસ્ટ) અંદાજે 6 ટકાનો વધારો થયો છે. કંપનીએ ગ્રાહકો પર આ બોજ ઓછો પડે તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ સતત વધતા ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે આ સુધારો કરવો જરૂરી બન્યો હતો. મધર ડેરી પોતાની કમાણીનો અંદાજે 75-80 ટકા હિસ્સો ખેડૂતોને ફાળવે છે, જેથી તેમની આજીવિકા જળવાય રહે અને ગ્રાહકોને સારી ગુણવત્તાનું દૂધ મળતું રહે.

નોંધનીય છે કે આ પહેલા મધર ડેરીએ એપ્રિલ 2025 માં દૂધના ભાવ વધાર્યા હતા. કંપની દિલ્હી-NCR વિસ્તારમાં દરરોજ અંદાજે 3.5 મિલિયન લિટર દૂધનું વેચાણ કરે છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા 20,300 કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું હતું, જેમાં ડેરી અને ખાદ્ય તેલના વેચાણમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, દૂધના ભાવમાં થયેલો આ લેટેસ્ટ વધારો મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button