Entertainment

ગુજરાતી હિપ-હોપને ગ્લોબલ સ્ટેજ પર લઈ જવા ‘અઘોરી મ્યુઝિક’ તૈયાર: લોન્ચ કરશે નવું આલ્બમ ‘વેલકમ ટૂ ગુજરાત’

ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે ‘હિટ મશીન’ તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપ-હોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ ‘અઘોરી મ્યુઝિક’ (Aghori Muzik) તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ ‘વેલકમ ટૂ ગુજરાત’ (Welcome To Gujarat) આલ્બમ લોન્ચ કરી રહ્યાં છે. ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોર્ડન ઓળખ અપાવવાના હેતુથી આ નવું આલ્બમ તૈયાર કરાયું છે. આ ભવ્ય લોન્ચિંગની સાથે જ અઘોરી મ્યુઝિક પોતાની પ્રથમ મોટી ‘વર્લ્ડ ટૂર’ ની સત્તાવાર જાહેરાત પણ કરવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં વસતા સંગીતપ્રેમીઓ અને ખાસ કરીને પ્રવાસી ગુજરાતીઓ સમક્ષ અર્બન ગુજરાતી હિપ-હોપ લાઈવ રજૂ કરવાનો છે. વિશેષ વાત એ છે કે, અઘોરી મ્યુઝિકે આ મહિને જ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સફળ ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે, જે આ લોન્ચિંગને બેન્ડ અને તેમના ફેન્સ માટે વધુ ખાસ બનાવે છે.

વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલી આ સંગીત સફરમાં અઘોરી મ્યુઝિકે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ શાનદાર ઓરિજિનલ ગીતો આપ્યા છે. ‘અઘોરી મ્યુઝિક’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના ત્રણ મુખ્ય આર્ટિસ્ટ્સ—ક્રુઝ (Kruz), કે.ડીપ (K.Deep) અને હાર્ડ-ડી (Hard-D)—પોતાના તમામ ગીતોનું લેખન, ગાયન, મ્યુઝિક કમ્પોઝિશન અને વીડિયો શૂટિંગ સંપૂર્ણપણે ઓરિજિનલી જાતે જ હેન્ડલ કરે છે. વૈશ્વિક સ્તરે પરંપરાગત ગરબાની ગરિમા સાથે આધુનિક રેપ બીટ્સ જોડીને ‘હિપ-હોપ ગરબા’ રજૂ કરનાર અઘોરી મ્યુઝિક વિશ્વનું એકમાત્ર ઓફિશિયલ મ્યુઝિક બેન્ડ છે.

આ આગામી આલ્બમ ‘વેલકમ ટૂ ગુજરાત’માં કુલ ૧૪ ધમાકેદાર ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શ્રોતાઓને પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદભુત સમન્વય આપશે. આ આલ્બમમાં મુખ્યત્વે ‘હું (લાયન્સ રોર)’, ‘ચરણ કન્યા’, ‘ના છાંડ્યા હથિયાર’, દિવાળીબેન આહીર સાથેનું ‘કચ્છ – ચાંદની ની ચાદર’, ‘સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?’, ‘માણકી’, ગરબા ઘેલી’, ‘ડમ્મર ડાક-૬ (ડાકલા)’, આદિવાસી અને ગ્રામીણ સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરતું ખાસ ગીત ‘સમથિંગ ટ્રાયબલ’, ‘સોના વાટકડી ફ્રીસ્ટાઈલ’, ‘જૂના જૂના જોગી’, ‘ગીરની કેડી વાંકી’, ‘ચરજ’ અને આલ્બમની મુખ્ય થીમને દર્શાવતું ટાઈટલ ટ્રેક ‘વેલકમ ટૂ ગુજરાત’ જેવા પાવરફુલ ગીતોનો સમાવેશ થાય છે. આ તમામ ગીતો ગુજરાતની માટીની સુગંધ અને વૈવિધ્યતાને ગ્લોબલ મ્યુઝિક ફોર્મેટમાં રજૂ કરે છે.

સંગીત પ્રત્યેનો દ્રષ્ટિકોણ શેર કરતા અઘોરી મ્યુઝિકના આર્ટિસ્ટ્સે જણાવ્યું છે કે, આપણી પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિ એટલી સક્ષમ છે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્લેટફોર્મ પર ગર્વભેર રજૂ કરી શકાય છે. માત્ર સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ પૂરતા મર્યાદિત રહેવાને બદલે, તેઓ આગામી વર્લ્ડ ટૂર દ્વારા લાઈવ સ્ટેજ પર આ અનોખા મ્યુઝિકલ કલ્ચરને જીવંત કરવા માંગે છે. આ આલ્બમ અને ગ્લોબલ ટૂર ગુજરાતી કલ્ચરને વૈશ્વિક સ્તરે રિપ્રેઝન્ટ કરવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે તેવો બેન્ડને સંપૂર્ણ વિશ્વાસ છે.

આ આલ્બમની ક્રિએટિવ જર્ની વિશે વાત કરતા અઘોરી મ્યુઝિકના ક્રિએટિવ હેડ દેવર્ષ કોઠારીએ જણાવ્યું હતું કે, “એક ક્રિએટિવ ટીમ તરીકે, ‘વેલકમ ટૂ ગુજરાત’ અમારા માટે અત્યાર સુધીનો સૌથી ચેલેન્જિંગ અને અનોખો પ્રોજેક્ટ રહ્યો છે. આ આલ્બમના ૧૪ ગીતો પાછળ મહિનાઓનું રિસર્ચ અને મ્યુઝિકલ એક્સપેરિમેન્ટ્સ જોડાયેલા છે, જ્યાં અમે દ્વારકાના આધ્યાત્મિક વાઇબ્સથી લઈને કચ્છના ફોક એલિમેન્ટ્સ અને આદિવાસી સંગીતને વેસ્ટર્ન હિપ-હોપ ડ્રમ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના સાઉન્ડમાં ઢાળ્યા છે. આ આલ્બમ અને લાઈવ વર્લ્ડ ટૂર દ્વારા અમે ઓડિયન્સને એવો વિઝ્યુઅલ અને ઓડિયો એક્સપિરિયન્સ આપવા જઈ રહ્યા છીએ જે પ્રાદેશિક સંગીત જગતમાં આ પહેલાં ક્યારેય જોવા કે સાંભળવા નથી મળ્યો.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button