GUJARAT

ગુજરાતમાં વરસાદનું ગણિત બગાડી શકે ‘ગોડઝિલા અલ નીનો’, ચોમાસા અંગે નવી ચેતવણી

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલી અસામાન્ય પરિસ્થિતિઓના કારણે ‘ગોડઝિલા અલ નીનો’ જેવી સ્થિતિ વિકસી રહી છે, જે દેશના અનેક વિસ્તારો સહિત ગુજરાતના ચોમાસા પર પણ અસર કરી શકે છે.

જો આ આગાહી સાચી સાબિત થાય છે, તો તેની સીધી અને અત્યંત ગંભીર અસર દેશના લાખો ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને શહેરી પાણી પુરવઠા પર પડશે. વૈશ્વિક હવામાન કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલા મલ્ટી-મોડેલ હવામાન નકશા અનુસાર, આ વર્ષે દેશના પશ્ચિમ-મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડવાની સંભાવના છે.

છેલ્લા કેટલાક સમયથી અલ નીનોની અસર અંગે નિષ્ણાતો સતત નજર રાખી રહ્યા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ વર્ષે અલ નીનો વધુ પ્રબળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેના કારણે ચોમાસાની ગતિ અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.

સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે

નિષ્ણાતોના મતે, ‘ગોડઝિલા અલ નીનો’ તરીકે ઓળખાતી પરિસ્થિતિ સામાન્ય અલ નીનો કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે. અગાઉ પણ વિશ્વભરમાં તેની અસર જોવા મળી હતી. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે અલ નીનોની અસર વધે ત્યારે ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની અનિશ્ચિતતા વધે છે અને કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

ગુજરાત માટે ચિંતાનો વિષય 

ગુજરાત માટે ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે છે. સાથે જ વરસાદ અસમાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં વરસાદની અછત અનુભવાઈ શકે છે. આ સ્થિતિ કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે, કારણ કે ખેડૂતોનું આયોજન મોટા ભાગે સમયસર અને સંતુલિત વરસાદ પર આધારિત હોય છે.

પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તમાન પરિસ્થિતિએ ચિંતા વધારી છે. નિષ્ણાતો સતત આબોહવાની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવવાની શક્યતા છે.

હાલ માટે હવામાન વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો અલ નીનો વધુ મજબૂત બનશે તો તેની સીધી અસર ગુજરાત સહિત દેશના ચોમાસા પર પડી શકે છે, જેના કારણે વરસાદના સ્વરૂપ અને સમયગાળામાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button