GUJARAT

પાલીતાણામાં માલઢોર ચરાવતા સમયે સિંહે હુમલો કરતા અફરાતફરી, દોડતી થઈ વન વિભાગની ટીમ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં સિંહણના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સિંહણે હુમલો કરતા એક પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પશુપાલક માલઢોર ચરાવવા ગયો હતો ત્યારે સિંહણ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વન વિભાગ વહેલી તકે વન્ય પ્રાણીઓને ગામથી દૂર ખસેડે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. પરિવારજનોએ પણ સિંહણને જલદી કબજે કરવાની માંગ ઉઠાવી છે.

ઘટના બાદ ઇજાગ્રસ્તના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે સિંહણના હુમલા બાદ પણ વન વિભાગ લગભગ બે કલાક મોડું પહોંચ્યું હતું. પરિવારના જણાવ્યા પ્રમાણે, વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો નહોતો અને ઘટનાની કોઈ યોગ્ય પૂછપરછ પણ કરવામાં આવી નહોતી. પરિવારનું કહેવું છે કે આ ઘટના બાદ હવે બાળકોને ભણવા મોકલવામાં પણ ડર લાગી રહ્યો છે. ગામમાં સિંહણની અવરજવર હોવાથી લોકોમાં સતત ભયનો માહોલ છે. પરિવારની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ સિંહણને જલદી કબજે કરે જેથી ગામના લોકો સુરક્ષિત અનુભવ કરી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button