National

‘NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું’, CBIનો મોટો ખુલાસો

NEET-UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. CBIના જણાવ્યા મુજબ પ્રશ્નપત્ર કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું ન હતું  પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે કામ કરતા વિષય નિષ્ણાતોએ તેમના અધિકૃત ઍક્સેસનો દુરુપયોગ કરીને પ્રશ્નપત્ર બહાર પહોંચાડ્યો હતો. આ મામલે દાખલ કરાયેલી ચાર્જશીટ પર દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ 10 ઑગસ્ટે સુનાવણી કરશે.

CBIના જણાવ્યા મુજબ પ્રશ્નપત્રના ગુપ્ત અનુવાદ, બેક-ટ્રાન્સલેશન અને પ્રૂફરીડિંગ દરમિયાન વિષય નિષ્ણાતોએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બોટની-ઝૂલોજીની નિષ્ણાત મનીષા ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રલ્હાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી (પી.વી. કુલકર્ણી) અને ફિઝિક્સની નિષ્ણાત મનીષા સંજય હવાલદારે પ્રશ્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી.

ઉમેદવારોને મૌખિક રીતે પ્રશ્નો અને જવાબ જણાવાયા

CBIની તપાસ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન પી.વી. કુલકર્ણી અને મનીષા મંધારેએ પુણે સ્થિત પોતાના ઘરે ગુપ્ત સ્પેશિયલ રિવિઝન સેશન યોજ્યાં હતાં. તેમાં ઉમેદવારોને પ્રશ્નો, તેમના ચાર વિકલ્પો અને સાચા જવાબો મૌખિક રીતે જણાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ આ તમામ વિગતો પોતાની નોટબુકમાં હાથથી લખી હતી, જેથી તેનો કોઈ ડિજિટલ રેકોર્ડ ન રહે.

ફિઝિક્સના પ્રશ્નોના ફોટા ખેંચીને મોકલવામાં આવ્યા

તપાસમાં જાણવા મળ્યું કે, ફિઝિક્સની નિષ્ણાત મનીષા હવાલદારે પ્રશ્નો પુણે સ્થિત APMAના ફિઝિક્સના લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહને જણાવ્યા હતા. ત્યારબાદ તેજસ શાહે હાથથી લખેલી નોંધોના ફોટા ખેંચીને લાતૂર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરને મોકલ્યા હતા. CBIએ એવો પણ દાવો કર્યો છે કે તેજસ શાહે મનીષા હવાલદારના પતિના મોબાઇલ નંબર પર ઑનલાઇન રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.

CBIના જણાવ્યા અનુસાર પી.વી. કુલકર્ણી અને મનીષા મંધારેએ લાતૂરના બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ ભગવાનરાવ શિરુરે સાથે મળીને ઉમેદવારોને સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં બોલાવ્યા હતા. ત્યાં પરીક્ષા પહેલાં ઉમેદવારોને આખી પ્રશ્નબેંક યાદ કરાવવામાં આવી હતી, જેથી તેઓ પરીક્ષામાં એ જ પ્રશ્નોના જવાબ આપી શકે.

તપાસમાં એ પણ સામે આવ્યું કે નાસિકના શુભમ ખૈરનારે ગુરુગ્રામના યશ યાદવનો સંપર્ક કર્યો હતો. લીક થયેલા પ્રશ્નોને PDFમાં ફેરવીને ટેલિગ્રામ મારફતે યશ યાદવને મોકલવામાં આવ્યા હતા.

ત્યારબાદ યશ યાદવે આ PDF જયપુરના માંગીલાલ બિવાલ ઉર્ફે માંગીલાલ ખટીકને 10થી 12 લાખ રૂપિયામાં ઉપલબ્ધ કરાવી હતી.

CBIના જણાવ્યા મુજબ માંગીલાલે પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢીને પોતાના પરિવારના સભ્યો, સ્થાનિક કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ખાનગી ટ્યુટર્સમાં વહેંચી દીધી હતી. આ રીતે લીક થયેલો પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ અનેક ઉમેદવારો સુધી પહોંચી ગયો હતો.

CBIએ જણાવ્યું કે, કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા (CFSL) અને સરકારી દસ્તાવેજ પરીક્ષક દ્વારા કરવામાં આવેલી હેન્ડરાઇટિંગ તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે.

દરોડા દરમિયાન જપ્ત કરાયેલી ઉમેદવારોની નોટબુકની તુલના 3 મેના રોજ યોજાયેલી વાસ્તવિક NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે કરવામાં આવી હતી. તપાસમાં બંનેમાં પ્રશ્નો અને જવાબો સંપૂર્ણપણે એકસરખા હોવાનું સામે આવ્યું.

ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અને રોકડ રકમ પણ મળી

તપાસ એજન્સીને ઑનલાઇન ચૂકવણી સંબંધિત ડિજિટલ રેકોર્ડ પણ મળ્યા છે. તેમાં મનીષા હવાલદારના પરિવારના બેંક ખાતામાં થયેલા નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે. ઉપરાંત ડૉ. મનોજ શિરુરેના પરિવારના એક સભ્ય પાસેથી રૂ. 5 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. CBIએ તેને તપાસમાં મળેલો મહત્વપૂર્ણ પુરાવો ગણાવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button