સોમનાથમાં શ્રાવણનો ભવ્ય પ્રારંભ: વરસાદના અમીછાંટણા વચ્ચે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું મંદિર, 30 દિવસ ચાલશે શિવ મહોત્સવ


પવિત્ર શ્રાવણ માસનો આજે 13 ઓગસ્ટથી પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણના પ્રથમ દિવસે જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સોમનાથમાં વરસાદના અમીછાંટણા વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. વરસાદ વચ્ચે ભક્તોના ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી સમગ્ર પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું છે. આ સાથે સોમનાથમાં આજથી 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નો પ્રારંભ થયો છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે.
શ્રાવણમાં લાખો ભક્તો આવવાની શક્યતા – શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ વર્ષે પણ અગાઉના વર્ષોની સરખામણીએ વધુ ભક્તો પહોંચે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા દર્શન, પૂજા, રહેવા, ભોજન, પરિવહન, પીવાનું પાણી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. ચાર સોમવાર ઉપરાંત અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા પર્વોને ધ્યાનમાં રાખીને વધારાનો સ્ટાફ અને સાધનસામગ્રી તૈનાત કરવામાં આવી છે.
પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ – આ શ્રાવણમાં સોમનાથ ખાતે પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આ યજ્ઞમાં સીધી રીતે જોડાઈને આહુતિ આપી શકશે. મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીક વિશેષ કાઉન્ટર રાખવામાં આવ્યો છે. અહીં ₹51 આપીને કરીને યજ્ઞ માટે આહુતિ દ્રવ્ય મેળવી યજમાન બનવાની તક આપવામાં આવશે. યજ્ઞ માટે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટ રાખવામાં આવ્યા છે. યજ્ઞમાં જોડાનારા ભક્તો માટે પરંપરાગત ધોતીની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ યજ્ઞ સાથે ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને પણ જોડવામાં આવી રહ્યા છે. સ્વયંસેવકો ગામે ગામ જઈને ગૌપાલકોને ગીર ગાયના છાણાનું અનુદાન આપવા પ્રેરિત કરી રહ્યા છે.
30 દિવસ, 30 પ્રકારના વિશિષ્ટ શૃંગાર – શ્રાવણ માસના 30 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અલગ-અલગ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે. તેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના શૃંગારનો સમાવેશ થાય છે. શ્રાવણના પ્રથમ ત્રણ સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વના દિવસે વિશેષ ‘સ્વાભિમાન શૃંગાર’ કરવામાં આવશે. ભક્તો નિયત ન્યોછાવર રકમ આપીને આ શૃંગારમાં યજમાન બની શકશે.
સોમવાર અને તહેવારોના દિવસે સવારે 4 વાગ્યે મંદિર ખુલશે – શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરની દર્શન વ્યવસ્થામાં વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર અને મહત્વના તહેવારોના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત આગળ વધતા રહેવાનું રહેશે. દર્શન પૂર્ણ થયા બાદ મંદિરની અંદર રોકાવાની મંજૂરી નહીં હોય, જેથી યાત્રિકોનો પ્રવાહ સરળતાથી જળવાઈ રહે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન – વૃદ્ધો, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકોની સુવિધા માટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી નિઃશુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયામાં સ્વાગત કક્ષ ઊભું કરવામાં આવ્યું છે. અહીં વૃદ્ધો અને દિવ્યાંગો માટે વ્હીલચેર ઉપલબ્ધ રહેશે. મંદિર પરિસરમાં ચાલતી ગોલ્ફ કાર્ટમાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ જરૂરિયાત ધરાવતા યાત્રિકો માટે સહાયક સ્ટાફ પણ ઉપલબ્ધ રહેશે.
સંકીર્તન ભવન બનશે ‘વન સ્ટોપ સોલ્યુશન’ – સોમનાથ મંદિર પરિસરના સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં ભક્તો ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ અને સંકલ્પ સહિતની વિવિધ પૂજા કરાવી શકશે. પૂજા માટે અહીં વિશેષ કાઉન્ટર રાખવામાં આવ્યો છે અને પૂજાનો પ્રસાદ પણ અહીંથી જ મેળવી શકાશે.




