સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એજન્સીના સુપરવાઇઝર 12 પાસ પણ નથી: વિનોદ પરમાર


આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, વિશ્વા એજન્સી સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 3 અને 4નો કોન્ટ્રાક્ટ ચલાવે છે, છેલ્લા 5 વર્ષથી તો છે જ. અહીંયા સુપરવાઇઝરની પોસ્ટ અને બીજા કર્મચારી રાખેલા છે એ ભાજપના માણસો છે. ફક્ત સપોર્ટ કરનાર નહીં પરંતુ ભાજપમાં જોડાયેલા અને હોદ્દા હોય એવા લોકો છે. સુપરવાઇઝરની પોસ્ટમાં કમસે કમ 12 પાસ વ્યક્તિ હોવો જોઈએ પરંતુ એ લોકો આઠમું કે દસમું ભણેલા હોય છે. તે લોકો પણ કચરા પોતા કરતા કર્મચારીઓ જેટલું ભણેલા છે. તો તેને સુપરવાઇઝર કઈ રીતે બનાવવામાં આવ્યા? અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કોઈ ગુણવત્તા જળવાતી નથી. પગાર પણ રેગ્યુલર આપવામાં આવતો નથી. મેં બે દિવસ પહેલા પણ રજૂઆત કરી હતી અને અત્યારે પણ આરએમઓ સમક્ષ રજૂઆત કરી છે કે જે લોકો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે એ લોકોને પણ તમે લેટ પગાર આપો છો, જે યોગ્ય નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ પરમારે જણાવ્યું હતું કે, અહીં મુકેલ મેનેજર રાજકુમાર પરિહાર, તેની હા મા હા મિલાવીને ચાલે તેવા માણસો મૂક્યા છે. જે યોગ્ય નથી અને તે લોકો દાદાગીરી કરતા હોય છે બીજા કર્મચારીઓ સાથે “અમે ભાજપના છીએ કોણ શું કરી લેશે” એવું વર્તન છે. રાજકુમાર પરિહાર જે મેનેજર છે તે પોતાને સિવિલ હોસ્પિટલનો સર્વસ્વ સમજે છે. તેના ખરાબ વર્તનને લીધે અંદાજે 15 દિવસ પહેલા લેખિતમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરેલ છે પરંતુ હજી કોઈ પગલાં લીધેલ નથી અને એ વ્યક્તિની હજુ પણ નોકરી ચાલુ છે. મેં વિશ્વા એજન્સી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે અને હવે હું લેટર લખીને એ લોકોને જાણ કરીશ. મારો પ્રશ્ન એ પણ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કેટલાક ભૂતિયા કારીગરો રાખેલા છે, કેટલા લોકોને પગાર આપો છો અને કેટલા લોકોને કાયદેસરથી પગાર જાય છે, એનો પણ મને જવાબ જોઈએ છે. વહેલામાં વહેલી તકે જો મને જવાબ નહીં મળે તો પ્રેસ મીડિયાની સાથે હું રજૂઆત કરવા માટે જઈશ.




