Entertainment

2017 પછી સેન્સર બોર્ડનું મોટું પુનર્ગઠન:18 સભ્યોમાં ગુજરાતના મનોજ જોશી અને અભિષેક જૈનને સ્થાન

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્સર બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નું પુનર્ગઠન કર્યું છે. મંત્રાલયે 18 સભ્યોના નવા બોર્ડની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં સિનેમા અને ટીવી ઉદ્યોગના ઘણા મોટા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે.

તેમાં ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર અભિષેક જૈન, ગુજરાતી દિગ્ગજ અભિનેતા મનોજ જોશી, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, અભિનેતા સુનીલ શેટ્ટી, પંકજ ત્રિપાઠી, ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશી અને બંગાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રોસેનજીત ચેટર્જીના નામ મુખ્ય છે. નવું બોર્ડ સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ 3 વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશ સુધી કામ કરશે.

18 સભ્યોના બોર્ડમાં માત્ર અભિનેતાઓ જ નહીં, પરંતુ સિનેમા અને સંગીત જગતની અન્ય હસ્તીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ, જાણીતા નિર્દેશક પ્રિયદર્શન, હંસરાજ હંસ અને નીલા માધબ પાંડાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મનોજ જોશી, વિનોદ અનુપમ, અભિષેક જૈન, સુપ્રિયા યાર્લાગડ્ડા, યતીન્દ્ર મિશ્ર, નિશિગંધા વાડ, વામન કેન્દ્રે અને રમેશ પતંગેને પણ બોર્ડમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.

2017 પછી પ્રથમ વખત બોર્ડનું પુનર્ગઠન થયું

CBFCના બોર્ડનું આ પુનર્ગઠન લાંબા સમયના અંતરાલ પછી થયું છે. આ પહેલાં સેન્સર બોર્ડનું ઔપચારિક પુનર્ગઠન ઓગસ્ટ 2017માં કરવામાં આવ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં સેન્સર બોર્ડે 6 વર્ષમાં તેની પ્રથમ બેઠક કરી હતી. તે બેઠકમાં બોર્ડના સભ્યોએ ફિલ્મોના સર્ટિફિકેશન સંબંધિત મુદ્દાઓ, રિવિઝન કમિટીઓના કામકાજ અને નિયમો-કાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

3 વર્ષના કાર્યકાળ માટે નવી ટીમ બનાવવામાં આવી છે

સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે આ નવી ટીમ બનાવી છે. નવું બોર્ડ આગામી 3 વર્ષ સુધી અથવા સરકારના આગામી આદેશ સુધી તેના પદ પર રહેશે. આ ટીમ ભારતીય સિનેમામાં કન્ટેન્ટની પ્રમાણિકતા, ઉંમર પ્રમાણે સર્ટિફિકેશન અને સમાજ પર પડતી અસરોને ધ્યાનમાં રાખીને ફિલ્મોને સર્ટિફિકેટ આપવાનું કામ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button