Top In Ahmedabad

નાનકડી વાતે લીધું મોટું સ્વરૂપ! ઢાલગરવાડમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલો: કાકા-ભત્રીજો લોહીલુહાણ, 1000થી વધુ દુકાનો બંધ

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વાહન સાઇડમાં લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ટ્રાફિકમાં ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને 10થી વધુ લોકોના ટોળાએ એક દુકાનમાં ઘૂસીને ભારે તોડફોડ અને મારામારી કરી હતી. આ ઘટનામાં દુકાન માલિક, તેમના ભત્રીજા અને તેમને બચાવવા આવેલા એક મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દુકાનમાં ઘૂસીને કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો કરાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, વાહન હટાવવાના મુદ્દે થયેલી બબાલનો ખાર રાખીને 5 જેટલા મુખ્ય શખ્સોએ દુકાનમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. આ શખ્સોએ દુકાનમાં બેઠેલા 17 વર્ષીય સગીર અને તેના કાકા પર ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલાખોરોએ પરિવારના સભ્યોને એક બાદ એક નિશાન બનાવીને છરી વડે ઘાતક હુમલો કરતા કાકા અને ભત્રીજો બંને લોહીલુહાણ થઈ ગયા હતા. મારપીટ અને તોડફોડની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ઢાલગરવાડમાં 1000થી વધુ દુકાનો બંધ રાખીને વેપારીઓએ નોંધાવ્યો વિરોધ
ભરબજારે દુકાનમાં ઘૂસીને વેપારી પર થયેલા આ હિચકારા હુમલાને પગલે ઢાલગરવાડના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. હુમલાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઢાલગરવાડ કાપડ બજારની 1000થી વધુ દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવી છે. વેપારીઓએ એકજૂથ થઈને હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ જીવલેણ હુમલા મામલે ભોગ બનનાર પરિવારના અમીન મન્સુરી નામના વેપારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અમીનભાઈની ફરિયાદના આધારે ઈરફાન ઘાંચી, રિયાઝ શેખ, નૂર મહંમદ શેખ, ઈરફાન શેખ અને ઈકબાલ શેખ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત તેજ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button