National

પેટ્રોલને લઇ સરકારનો વધુ એક મોટો નિર્ણય, હવે લગાવ્યો નવો ટેક્સ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા પછી હવે પેટ્રોલિયમ કંપનીઓને પણ મોટો ઝટકો લાગ્યો છે. સરકારે પેટ્રોલિયમ કંપનીઓ વિદેશમાં પેટ્રોલ વેચીને કમાતી વધારાની કમાણી પર નિયંત્રણ લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલના એક્સપોર્ટ પર પ્રતિ લીટર 3 રૂપિયાનો “વિન્ડફોલ ટેક્સ” લગાવ્યો છે. એટલે કે કોઈ કંપની વિદેશમાં પેટ્રોલ વેચશે તો તેને પ્રતિ લીટર 3 રૂપિયા સરકારને ટેક્સ તરીકે આપવા પડશે.

બીજી તરફ થોડી રાહત પણ આપવામાં આવી છે. સરકારે ડીઝલ પરની ડ્યૂટી ઘટાડીને પ્રતિ લીટર 16.5 રૂપિયા કરી છે અને વિમાનમાં વપરાતા ઈંધણ (જેટ ફ્યુઅલ) પરની ડ્યૂટી 16 રૂપિયા પ્રતિ લીટર કરી છે. આ નવા દરો આજે એટલે કે 16 મે થી લાગુ થયા છે.

સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ અને ડીઝલના એક્સપોર્ટ પર રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ શૂન્ય રાખવામાં આવ્યો છે. સાથે જ દેશની અંદર વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંકટ પછી પહેલી વાર પેટ્રોલ પર પ્રતિ લીટર 3 રૂપિયાનો વિશેષ વધારાનો એક્સાઈઝ ડ્યૂટી (SAED) લગાવવામાં આવ્યો છે. બીજી તરફ ડીઝલના એક્સપોર્ટ પરની ડ્યૂટી 23 રૂપિયાથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. તેમજ વિમાનમાં વપરાતા ઈંધણ (એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ) પરની ડ્યૂટી 33 રૂપિયાથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.

સરકારે 26 માર્ચે ડીઝલના એક્સપોર્ટ પર પ્રતિ લીટર 21.50 રૂપિયાની અને ATF (વિમાન ઈંધણ) પર પ્રતિ લીટર 29.5 રૂપિયાની એક્સપોર્ટ ડ્યૂટી લગાવી હતી. પછી 11 એપ્રિલે થયેલી સમીક્ષા દરમિયાન આ ડ્યૂટી વધારીને ડીઝલ પર 55.5 રૂપિયા પ્રતિ લીટર અને ATF પર 42 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી હતી. ત્યારબાદ 30 એપ્રિલે ફરી સમીક્ષા કરવામાં આવી અને ડ્યૂટી ઘટાડીને ડીઝલ પર 23 રૂપિયા પ્રતિ લીટર અને ATF પર 33 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી હતી.

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન દેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ રહે તે માટે સરકારે વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. તેનો બીજો હેતુ એ પણ હતો કે પેટ્રોલિયમ કંપનીઓ ભાવના તફાવતનો ગેરફાયદો ઉઠાવીને વધારે નફો ન કમાઈ શકે. યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો હતો. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરી હતી, જેના જવાબમાં તેહરાને પણ કડક પ્રતિક્રિયા આપી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી વધુ રહ્યા છે, જ્યારે યુદ્ધ પહેલાં તે લગભગ 73 ડોલર પ્રતિ બેરલ હતા. મંત્રાલયના જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનો દેશની અંદર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે અને વધુ એક્સપોર્ટને રોકી શકાય તે માટે આ વિન્ડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button