ભારતમાં 80 ટકાથી વધુ પેકેજ્ડ ફૂડમાં મળ્યું વધુ સુગર અને આર્ટિફિશિયલ ફ્લેવર, રિપોર્ટમાં ખુલાસો


શું તમે અને તમારા બાળકો જે બિસ્કિટ, ઠંડા પીણાં અને તાત્કાલિક તૈયાર થઈ જતા રેડી ટૂ ઈટ ભોજન ખૂબ શોખથી ખાય છે. પણ શું તે ખરેખર સલામત છે? એક રિપોર્ટે દેશના પેકેજ્ડ ફૂડ ઉદ્યોગની સ્થિતિનો પર્દાફાશ કર્યો છે. નેટફર્સ્ટ અને તેના કન્ઝ્યૂમર ન્યૂટ્રિશન પ્લેટફોર્મ ટ્રુથઇન દ્વારા કરવામાં આવેલા એક મોટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વેચાતા 80 ટકાથી વધુ પેકેજ્ડ ફૂડમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ, કલર અને સુગરના માત્રાની સીમા ઘણું વધારે હોય છે. રિપોર્ટમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને 25થી વધુ શ્રેણીઓમાં લગભગ 23,000 ફૂડ પ્રોડક્ટ્સના લેબલનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પરિણામો ખૂબ જ ચિંતાજનક છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 80 ટકાથી વધુ બિસ્કિટમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને સસ્તા પામ તેલનો વ્યાપક પ્રમાણ જોવા મળે છે, જ્યારે લગભગ 98 ટકા ઠંડા પીણાંમાં હાનિકારક આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ પણ હોય છે. તેવી જ રીતે લગભગ 96 ટકા રેડી ટૂ ઈંટ ભોજનમાં આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ હોય છે અને 90 ટકામાં સુગરનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય છે. મીઠી ચોકલેટ અને મીઠાઈઓમાં પણ 80 ટકાથી વધુ ખાંડ અને ચરબી હોય છે, જે આરોગ્ય ધોરણો કરતાં વધુ છે.
ટ્રુથઇનના ડૉ. અમન શેખ બશીરના મતે, વધારાની ચરબી, ખાંડ, મીઠું અને કૃત્રિમ સ્વાદનો સમાન ખતરનાક પેટર્ન તમામ પ્રકારના પેકેજ્ડ ફૂડ્સમાં દેખાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના અભ્યાસને ટાંકીને, અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે 75.4% ગ્રાહકો ફૂડ પેકેજિંગ લેબલ્સ વાંચવાનો દાવો કરે છે, ત્યારે ફક્ત 14.7% લોકો ઘટકોની સૂચિની કાળજીપૂર્વક સમીક્ષા કરે છે. ગ્રાહકની આ બેદરકારીનો લાભ લઈને કંપનીઓ સ્વાદ વધારવા અને શેલ્ફ લાઇફ લંબાવવા માટે કેમિકલ્સની રમત રમી રહી છે. પેકેજ્ડ ફૂડ માટે આ વધતો ક્રેઝ ભવિષ્યની પેઢીઓને સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ તરફ ધકેલી રહ્યો છે.




