રાજધાની એક્સપ્રેસ હાથીઓ સાથે અથડાઈ: 8 વન્યજીવોના મોત, ટ્રેનના 5 કોચ પાટા પરથી ઉતરતા મુસાફરોમાં ચીસાચીસ


આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.
મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.
વાસ્તવમાં, આ ટ્રેન દુર્ઘટના ઉત્તર પૂર્વીય સરહદ રેલવે (NFR) ના લુમડિંગ ડિવિઝન હેઠળ આવતા જમુનામુખ-કામપુર સેક્શનમાં બની હતી. શનિવારે સવારે જ્યારે જંગલી હાથીઓનું એક ટોળું પાટા ઓળંગી રહ્યું હતું, ત્યારે રાજધાની એક્સપ્રેસ તેમની સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી ભયાનક હતી કે રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સ્થળ ગુવાહાટીથી આશરે 126 કિલોમીટર દૂર આવેલું છે. ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટ્રેનો બચાવ કામગીરી માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાટા પર હાથીઓના મૃતદેહના અવશેષો વિખરાયેલા હોવાથી અને ટ્રેનના ડબા ખડી પડવાને કારણે આ રૂટ પરની રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ છે.
આ દુર્ઘટનામાં જે ડબા પાટા પરથી ઉતરી ગયા હતા, તે મુસાફરોને હાલ પૂરતા ટ્રેનના અન્ય ડબાઓમાં ખાલી બર્થ પર બેસાડવામાં આવ્યા છે. ટ્રેન જ્યારે ગુવાહાટી પહોંચશે ત્યારે તેમાં વધારાના કોચ જોડવામાં આવશે, જેથી તમામ મુસાફરોને સીટ મળી રહે અને ટ્રેન તેની આગળની મુસાફરી ફરી શરૂ કરી શકે.




