National

ખાન સર પર ધરપકડનું સંકટ! પટણા કોર્ટમાં મીડિયા પર પ્રતિબંધ વચ્ચે સરેન્ડરની તૈયારી

બિહારની રાજધાની પટણામાં આવેલી પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ માં થયેલી તોડફોડ અને કથિત ફાયરિંગના મામલે હવે કાનૂની ગરમાવો આવી ગયો છે. આ કેસમાં પટણા પોલીસ દ્વારા એફઆઈઆર (FIR) નોંધાયા બાદ, દેશભરમાં જાણીતા શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર) એ કાનૂની રસ્તો અપનાવ્યો છે. તેઓ શનિવારે બપોરે પોતાના વકીલો સાથે આત્મસમર્પણ (સરેન્ડર) કરવા માટે પટણાની સિવિલ કોર્ટમાં પહોંચ્યા છે.

કોર્ટ પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હોવાને કારણે ખાન સરને અંદર જતા કોઈ જોઈ શક્યું નહોતું. પરંતુ કોર્ટના અંદરના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખાન સર સિવિલ કોર્ટમાં જજ અનુરાગ વર્માની અદાલતમાં વકીલો મારફતે આગોતરા જામીન (Anticipatory Bail) માટેની અરજી દાખલ કરી શકે છે.  ધરપકડની લટકતી તલવાર વચ્ચે આ મોટું કાનૂની પગલું ભરવામાં આવ્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત મંગળવારે (2 જૂન) રાત્રે થઈ હતી, જ્યારે 15 થી 20 અજ્ઞાત લોકોના એક જૂથે પટણા સ્થિત ખાન સરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ પર હુમલો કરીને ભારે તોડફોડ અને પથરાવ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોચિંગના બે સિક્યોરિટી ગાર્ડ કથિત રીતે હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. આ મામલે કાર્યવાહી કરીને પટણા પોલીસે ગુરુવારે જ બંને ગાર્ડની અટકાયત કરી લીધી હતી.

એસએસપીએ કરી હતી FIR ની પુષ્ટિ

પટણાના સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) કાર્તિકેય શર્માએ શુક્રવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે કોચિંગમાં થયેલા હંગામા અને ફાયરિંગના કેસમાં શિક્ષક ફૈઝલ ખાન (ખાન સર) ને નામજોગ આરોપી બનાવીને એફઆઈઆર નોંધવામાં આવી છે. એસએસપીએ એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ ટૂંક સમયમાં ખાન સરની પૂછપરછ કરશે, જો કે કઈ કઈ કલમો લગાવવામાં આવી છે તેનો ખુલાસો કરાયો નહોતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button