આજથી ગાંધીનગરમાં Gen-Zનું સ્વયંભૂ આંદોલન શરૂ: કોઈપણ રાજકીય નેતૃત્વ વગર યુવાઓ મેદાને ઉતરતા ગુજરાત સરકાર ચિંતામાં


પાટનગર ગાંધીનગરમાં ‘Gen Z’ના યુવાઓ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યુવાઓને આંદોલનમાં સહભાગી થવા સોશિયલ મીડિયા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકીય નેતૃત્વ વિના રાજ્યભરમાં સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે જેને પગલે ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. વીજપોલના મામલે ખેડૂતોનો રોષ હજી શાંત થયો નથી, ત્યાં હવે યુવાઓનો આ આક્રોશ શાંત કરવો સરકાર માટે ભારે પડકારજનક સાબિત થશે.
કોઈપણ ચોક્કસ રાજકીય નેતૃત્વ વિના યુવાઓ જે રીતે સ્વયંભૂ મેદાને પડ્યા છે, તે બાબત હવે સરકાર માટે ઊંડા સંશોધન અને વિચાર માંગતો સવાલ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર યુવાઓ દ્વારા સતત કોમેન્ટોનો મારો ચલાવીને ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસ અને IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) ની ટીમ આંદોલનકારી યુવાઓ પર બાજ નજર રાખી રહી છે.
ગુજરાતના શહેરી વિસ્તારો હંમેશા શાસક પક્ષ ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. પરંતુ આ આંદોલનને કારણે જાગૃત યુવા મતદારો આગામી સમયમાં ભાજપની આ પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે, તેવો ડર અત્યારે ભાજપ મોવડી મંડળને સતાવી રહ્યો છે.




