GUJARAT

અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન

ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો નાગરિકો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ સેવાને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 10 ટ્રેન અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે અને 24 ટ્રેન સુરત મેટ્રો માટે ફાળવવામાં આવશે. આ નવી ટ્રેનો આવવાથી મુસાફરોને ટ્રેન માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે. આ પગલું રાજ્યના શહેરી પરિવહન માળખાને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

આ નવી મેટ્રો ટ્રેનો વિદેશથી આયાત કરવાને બદલે, ભારતની જ ઉત્પાદન ક્ષમતા પર ભરોસો મૂકીને કોલકાતા સ્થિત ટીટાગઢની અત્યાધુનિક ફેક્ટરીમાં બનાવવામાં આવી રહી છે. આ નિર્ણય ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મોટું બળ આપે છે. દેશમાં જ ટ્રેનો બનવાથી વિદેશી હૂંડિયામણની મોટી બચત થશે, અને સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને કૌશલ્ય વિકાસની નવી તકો પણ ઊભી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મેટ્રોનું જે સપનું જોયું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. હાલમાં અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં 68.2 કિલોમીટર લાંબુ મેટ્રો નેટવર્ક ધમધમી રહ્યું છે અને તેમાં 32 ટ્રેનો દોડી રહી છે.

હવે આ રૂટ પર વધુ 10 નવી ટ્રેનો ઉમેરાશે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે બે ટ્રેન વચ્ચેનો સમયગાળો (ફ્રીકવન્સી) ઘટી જશે. ઓફિસ કે કોલેજ જવાના પીક-અવર્સમાં મુસાફરોને ફટાફટ ટ્રેન મળી રહેશે અને ભીડમાંથી રાહત મળશે.

સુરત મેટ્રો અને ભવિષ્યનું પ્લાનિંગ

બીજી તરફ, સુરતમાં પણ 40.3 કિલોમીટર લાંબા મેટ્રો નેટવર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરત માટે 24 નવી ટ્રેનોનો ઓર્ડર આપી દેવાયો છે. કામ પૂરું થતાં જ સુરતીઓને ટ્રાફિક જામમાંથી મોટી મુક્તિ મળશે.

આ ઉપરાંત, ગુજરાત સરકારનું વિઝન ઘણું મોટું છે:

હાલનું 108 કિમીનું મેટ્રો નેટવર્ક આગામી વર્ષોમાં વધારીને 190 કિમી સુધી પહોંચાડવાનો અંદાજ છે.

આમાં એરપોર્ટને જોડતી 6.04 કિમીની વિશેષ લાઈનનો પણ સમાવેશ થાય છે.એટલું જ નહીં, ભવિષ્યમાં રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ મેટ્રો શરૂ કરવા માટેની દરખાસ્તો પર સરકાર વિચાર કરી રહી છે.

ડ્રાઈવરલેસ ટેક્નોલોજી અને હાઈ-ટેક સુરક્ષા

આ નવી 34 મેટ્રો ટ્રેનો સામાન્ય ટ્રેનો નહીં હોય. તે સંપૂર્ણપણે અત્યાધુનિક ‘ડ્રાઇવરલેસ’ (ડ્રાઈવર વગર ચાલતી) ટેક્નોલોજીથી સજ્જ હશે. તેમાં મુસાફરોની સુરક્ષા માટે ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે:

ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ અને સ્પીડ કંટ્રોલ.

ટ્રેનમાં કોઈ ખામી સર્જાય તો તે જાતે જ શોધી કાઢતી ‘ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ’ સિસ્ટમ.

પાટા પર કોઈ અડચણ આવે તો ટ્રેન જાતે જ રોકાઈ જશે (ઓબ્સ્ટેકલ ડિટેક્શન).

સીસીટીવી કેમેરા, ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સેફ્ટી ડોર ઓપરેશન.

એક્સપ્રેસવે હોય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય, દાહોદમાં બની રહેલું 9000 HP લોકોમોટિવ એન્જિનનું કારખાનું હોય કે નમો ભારત ટ્રેન હોય — ગુજરાત હંમેશાં ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશને રસ્તો બતાવતું રહ્યું છે. આ નવો મેટ્રો પ્રોજેક્ટ તેનો વધુ એક મજબૂત પુરાવો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button