GUJARAT

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ

ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. મોડી સાંજે અચાનક સ્લેબ તૂટી પડતાં તેના કાટમાળ નીચે 15 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ NDRF, SDRF અને CRPFની ટીમોને પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડવામાં આવી હતી.

આ ઘટનામાં દટાયેલા તમામ શ્રમિકોને યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ હટાવવા માટે આધુનિક સાધનો તેમજ ક્રેનની મદદ લેવામાં આવી હતી.રેસ્ક્યૂ કરાયેલા શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી પ્રાથમિક માહિતી મુજબ, દુર્ઘટનામાં 15 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે શ્રમિકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય શ્રમિકોની સારવાર ચાલી રહી છે  તમામ શ્રમિકો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. . મહત્વનું છે કે, દુર્ઘટનાની જાણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઘટનાસ્થળે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બંનેએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી.

ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યું હતું, જેથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઇમરજન્સી સારવાર, જરૂરી સર્જરી અને પ્રાથમિક ઉપચાર વિના વિલંબે મળી રહે. તબીબી ટીમો સતત દર્દીઓની સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે.ઘટનાસ્થળે લોખંડના સળિયા, સેન્ટ્રિંગ પ્લેટ્સ અને સિમેન્ટ-કોંક્રિટનો ભારે કાટમાળ હોવાથી ગાંધીનગર અને આસપાસની ફાયર ટીમો ઉપરાંત SDRF અને NDRFની મદદ લેવામાં આવી હતી. સ્થળ પર હાઇડ્રોલિક ક્રેઈન, જેસીબી અને ગેસ કટર જેવા અત્યાધુનિક સાધનોની મદદથી ભારે માળખાને હટાવવાની કામગીરી કરવામાં આવ્યો હતો. 

દરમિયાન બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્લેબ ધરાશાયી થવા પાછળ બાંધકામની ગુણવત્તા, સેન્ટિંગ અથવા અન્ય કોઈ ક્ષતિ જવાબદાર છે કે નહીં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.તપાસમાં જવાબદારી નક્કી થયા બાદ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button