અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 8 કરોડ રૂપિયાનું કૌભાંડ, પાંચ કંપનીઓ પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ


ગુજરાતની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં PM-JAY યોજના હેઠળ ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ અને સાધનોની ખરીદીમાં 8 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ 2025 દરમિયાન પાંચ કંપનીઓ પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે.
મળતા અહેવાલ પ્રમાણે સિવિલના સ્ટોર ઑફિસર, પ્રોક્યોરમેન્ટ ઑફિસર અને ડોક્ટર્સની મિલીભગતનો આરોપ છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને અગ્રસચિવ ધનંજય દ્રિવેદીએ તપાસનું આશ્વાસન આપ્યું છે. અગાઉના વર્ષોની ખરીદીની તપાસથી મોટો ગોટાળો બહાર આવે તેવી શક્યતા છે.
આર એ સર્જિકલ, ક્રિસ્ટ એન્ટરપ્રાઇઝ, ઓર્થો ફિક્સ ઈમ્પ્લાન્ટ, ક્રિસ્ટ મેડિટેક અને ગુજરાત ઓર્થો સ્પાઇન કેર નામની કંપનીઓમાંથી ત્રણ કંપની એક જ વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. સરકારના જેમ પોર્ટલ અથવા ઈ-ટેન્ડર પ્રક્રિયાને બદલે માત્ર ક્વોટેશન આધારે ખરીદી કરીને નિયમોનો ભંગ કરાયો છે.




