National

ઉજ્જૈન: હવે ભસ્મ આરતી માટે નહીં લાગવી પડે લાઈન,નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, માત્ર ઓનલાઈન જ થશે બુકિંગ

મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના દર્શનને લઈને મંદિર સમિતિ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે હવે ઓફલાઇન બુકિંગની પ્રક્રિયામાં મહત્ત્વનો ફેરફાર કરાયો છે.

ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિએ ભસ્મ આરતી માટેની ઓફલાઇન પરમિશનની સુવિધા 9 એપ્રિલથી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. અત્યાર સુધી ભક્તો કલાકો સુધી કતારમાં ઉભા રહીને ઓફલાઇન પરમિશન મેળવતા હતા, પરંતુ હવે આ આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવી દેવામાં આવી છે.

નિ:શુલ્ક વ્યવસ્થા નાબૂદ અને ફીમાં ફેરફાર

અગાઉ મંદિર સમિતિ દ્વારા કુલ 1700 ભક્તોને ભસ્મ આરતી માટે પરવાનગી આપવામાં આવતી હતી, જેમાંથી 300 ભક્તોને નિ:શુલ્ક (ફ્રી) પરમિશન મળતી હતી. નવા નિયમો મુજબ હવે નિ:શુલ્ક વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. હવે ‘તત્કાલ બુકિંગ’ હેઠળ આવતા આ 300 ભક્તોએ પણ પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની ઓનલાઇન ફી ચૂકવવી પડશે.

તત્કાલ બુકિંગ માટેના નિયમો

જે ભક્તો તાત્કાલિક ધોરણે આરતીમાં સામેલ થવા માંગે છે, તેમણે દર્શનના એક દિવસ અગાઉ મંદિરની સત્તાવાર વેબસાઇટ (https://www.shrimahakaleshwar.mp.gov.in/) પર બુકિંગ કરવાનું રહેશે. આ માટેનું પોર્ટલ દરરોજ સવારે 8 વાગ્યે ખુલશે અને ‘વહેલા તે પહેલા’ના ધોરણે બુકિંગ કરી શકાશે. દાખલા તરીકે, જો તમારે 16 એપ્રિલની આરતીમાં જવું હોય, તો 15 એપ્રિલ સવારે 8 વાગ્યે ઓનલાઇન બુકિંગ કરવાનું રહેશે.

નિયમિત ઓનલાઇન બુકિંગ માટેની વિન્ડોમાં પણ ફેરફાર કરાયો છે. પહેલા ભક્તો ત્રણ મહિના અગાઉ બુકિંગ કરી શકતા હતા, પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને એક મહિનો કરી દેવામાં આવ્યો છે. હવે દરેક મહિનાની 1લી તારીખે સવારે 8 વાગ્યે આગામી મહિના માટેનું બુકિંગ પોર્ટલ ખુલશે. જેમ કે, જૂન મહિનાનું બુકિંગ 1 મેથી શરૂ થશે.

અન્ય આરતીઓના નિયમો

ભસ્મ આરતી ઉપરાંત સંધ્યા આરતી અને શયન આરતી માટે પણ ઓનલાઇન બુકિંગ ફરજિયાત છે, જેના માટે પ્રતિ વ્યક્તિ 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સંધ્યા આરતી માટે બુકિંગ પોર્ટલ દરરોજ બપોરે 12 વાગ્યે અને શયન આરતી માટે સાંજે 4 વાગ્યે ખુલે છે. સામાન્ય ભક્તો માટે માત્ર ‘ચલિત દર્શન’ (ચાલતા દર્શન) જ મફત રાખવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button