National

લખનૌમાં 100 થી વધુ ગેસ સિલિન્ડર ફાટ્યા, 1000 ઝૂંપડા રાખ, 10 કિમી સુધી દેખાયો ધુમાડો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે કાળઝાળ ગરમી વચ્ચે એક એવી દુર્ઘટના ઘટી જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં એક પછી એક 100 થી વધુ રસોઈ ગેસના સિલિન્ડરોમાં બ્લાસ્ટ થતા સ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 1000 થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે અને 50 થી વધુ અબોલ પશુઓના કરૂણ મોત નિપજ્યા છે.

બુધવારે સાંજે અંદાજે 4 વાગ્યે સીતાપુર બાયપાસ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં એક નાનકડી ચિંગારીએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક હતી કે તેની લપટો 20-30 ફૂટ ઊંચે સુધી ઉછળી રહી હતી. લખનૌના આકાશમાં 10 કિલોમીટર દૂર સુધી ધુમાડાના કાળા ગોટા દેખાતા હતા, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો.

100 સિલિન્ડરના પ્રચંડ ધડાકાથી ધરા ધ્રૂજી

આ આગમાં સૌથી વધુ તબાહી ગેસ સિલિન્ડરોએ મચાવી હતી. ઝૂંપડાઓમાં રાખવામાં આવેલા 100 થી વધુ સિલિન્ડર તાબડતોબ ફાટવા લાગ્યા હતા. દરેક ધડાકા સાથે આગ નવી દિશામાં ફેલાતી હતી. સ્થાનિક લોકોએ હિંમત બતાવીને અંદાજે 50 જેટલા સિલિન્ડરોને બહાર કાઢીને નજીકના નાળામાં ફેંકી દીધા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી, નહિતર આસપાસના પાકા મકાનો પણ રાખ થઈ ગયા હોત.

8 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ સતત થઈ રહેલા સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ બુઝાવવી અત્યંત જોખમી બની હતી. ફાયર ફાઈટરોએ પોતાના જીવના જોખમે 8 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ હતો. કોઈ પોતાના બાળકને શોધી રહ્યું હતું તો કોઈ પિતાને. લોકો જ્યારે આગની અંદર પોતાના સ્વજનોને બચાવવા જવા લાગ્યા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 8 થી 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button