‘સેવન્થ ડે’ સ્કૂલ જેવી જ ઘટના હવે સુરતમાં, વિદ્યાર્થીનો જ વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો


અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં વિદ્યાર્થી પર હુમલા પછી મોત બાદ હવે વધુ એક સ્કુલમાં આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉમરાના વિસ્તારમાં આવેલી એક સ્કુલમાં પણ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર લોખંડના સળીયા વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી પ્રમાણે, શેઠ ઉમરીગર મેમોરિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી, જે એટલી હદે વધી ગઈ કે એક વિદ્યાર્થીએ પોતાના જ સાથી વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કરી દીધો. ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટમાં સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને કારણે ફરી એક વાર સ્કુલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
માહિતી પ્રમાણે, સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા વાત ઝગડા સુધી પહોંચી ગઈ અને ગુસ્સે ભરાયેલા એક વિદ્યાર્થીએ પોતાના સાથી વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કરી દીધો. આ હુમલામાં વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.સ્કુલના વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મારતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો. હુમલા બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈને સ્કૂલ આવી પહોંચ્યા. તેમણે સ્કૂલના વાઇસ જીએસ સામે કાર્યવાહીની માંગ કરી છે. જયારે બાળકો સ્કુલમાં હોય ત્યારે તેમની સુરક્ષા માટે સ્કૂલ જવાબદાર છે, આવી ગંભીર ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી સ્કૂલ તરફથી જ થવી જોઈએ.
આ ઘટના સામે આવતા વાલીઓમાં આક્રોશની સાથે જ ચિંતાનો માહોલ પણ છે. ત્યારે આવવા સવાલો ઉઠે છે કે સ્કૂલ જેવી જગ્યાએ કે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં બાળકો વચ્ચે આવી હિંસક પ્રવૃત્તિઓ કેમ થાય છે? સ્કૂલમાં શિક્ષક તથા સંચાલન તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પર નિયંત્રણ કેમ ન રાખવામાં આવે?




