Gujaratની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-AAPને મોટો ફટકો, જાણો ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપને ક્યાં-ક્યાં મળી સફળતા?


રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભર્યા હતા, આજ રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે રાજ્યના જુદા-જુદા સ્થળોએ કોંગ્રેસ, ‘આપ’ અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જેથી ભાજપ તે વૉર્ડમાં બિનહરીફ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે.
રાજકોટની જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 11-મેવાસા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન પ્રતાપભાઈ લાલુએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ મેદાન છોડતા હવે મેવાસા બેઠક ભાજપના ફાળે બિનહરીફ જાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે, જ્યારે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, જેના પરિણામે ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે. આ ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ભાજપ પર પોલીસ અને તંત્રના જોરે ઉમેદવારોને રાત્રે ઉઠાવી જઈ ધાક-ધમકી આપી ફોર્મ ખેંચાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ભાજપે વિકાસ કર્યો હોય તો આવા દબાણની શું જરૂર છે? કોંગ્રેસે વોટ ચોરી અને SIR ગેરરીતિના મુદ્દે પણ સરકારને ઘેરી છે. હાલ અન્ય ઉમેદવારોના ફોર્મ ન ખેંચાય તે માટે કોંગ્રેસના હોદ્દેદારો સતર્ક બની પ્રયાસ કરી રહ્યા છે.
વલસાડમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નાનકવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશ બાલુ પટેલે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ખળભળાટ મચી ગયો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલા આ અણધાર્યા વળાંકને કારણે હવે નાનકવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે, જ્યારે ભાજપ છાવણીમાં જીતનો માહોલ છવાયો છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-11 ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ભાજપ પર લોભ-લાલચ અને ધમકી દ્વારા ઉમેદવાર તોડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચી બહાર આવતા જ અકોટા મામલતદાર કચેરીએ ભારે હોબાળો અને ધક્કામુક્કી થઈ હતી. કોંગ્રેસે આ ઘટનાને ‘લોકશાહી માટે કાળો દિવસ’ ગણાવ્યો છે. ભારે હંગામાને પગલે પોલીસે કનુ પ્રજાપતિને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની પેઢલા બેઠકના ઉમેદવાર રાજેશભાઈ કોટડીયાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવ્યો છે. ઉમેદવારે પક્ષમાં અન્યાય થતો હોવાનો અને તાલુકા પંચાયતના ઉમેદવારને મેન્ડેટ ન અપાયાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ચૂંટણી પહેલા જ ઉમેદવારના આ અણધાર્યા પગલાથી ‘આપ’ની મુશ્કેલીઓ વધી છે, જ્યારે હરીફ પક્ષોમાં આંતરિક ખેંચતાણને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ત્રણ અલગ અલગ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. મોરબી મહાનગરપાલિકા વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર દિપેશ સોનગરા, જિલ્લા પંચાયતની ખાનપર બેઠક પર અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ સામતભાઈ રગિયા અને પંચાસર તાલુકા પંચાયતમાં આપના ઉમેદવાર વસંત ગલાભાઈ ટૂંડીયાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ ઘટનાઓથી ત્રણેય બેઠકો પર ભાજપ અને અન્ય પાર્ટીઓને ફાયદો થવાની સંભાવના છે.
દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ સાથે ભાજપના ઉમેદવાર જેરીકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે. દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી હવે ભાજપના 6 અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે. આ ઘટનાથી દાહોદમાં ભાજપમાં ખુશીનો માહોલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો છે. વખતપર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જ્યારે તાલુકા પંચાયતની એક નંબર સીટ પરથી આપ પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. આ સાથે જિલ્લા પંચાયતની સુદામડા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી પરત ખેંચી છે. આ ત્રણેય બેઠકો પર હવે ભાજપના ઉમેદવારોને મોટો લાભ થવાની સંભાવના છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નંબર 15માં આપના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને ભાજપને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીના પ્રયાસ પછી આ નિર્ણય લેવાયો છે. વોર્ડ 15ને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યાં આપ ઉમેદવારના સમર્થનથી ભાજપ હવે કોંગ્રેસના વશરામ સાગઠીયાને હરાવવા માટે મેદાને છે. આ ઘટનાથી વોર્ડ 15માં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.
ગોંડલ તાલુકા પંચાયતની ચંટણીમાં પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના 7થી 8 ઉમેદવારોએ અચાનક ફોર્મ પરત ખેંચતા પક્ષમાં દોડધામ મચી ગઈ છે, તાલુકા સદનમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી કે ભાજપ ડરાવી-ધમકાવીને બળજબરી કરી રહ્યું છે.
ખેડા જિલ્લા પંચાયતની રઢુ બેઠક પર ભાજપના ઉમેદવાર ચેતના રાજપૂત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ખેડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા હાથ ધરાયેલા ખાસ ઓપરેશનને પગલે કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા આ વિજય નક્કી છે. આ સફળતા બાદ ધારાસભ્ય અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.
દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બેના ભાજપના ઉમેદવાર દર્ષિત જગમોહન દિવાકર બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર રિતેશ યાદવે ફોર્મ પરત ખેંચ્યુ છે. વોર્ડ નંબર 2માંથી ભાજપ કોંગ્રેસે 4-4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
વલસાડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું વિજયી અભિયાન યથાવત છે, જેમાં વધુ એક જુજવા બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિમલ પટેલ અને આપ ઉમેદવાર અમિત પટેલે એકાએક પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. હરીફ પક્ષોના ઉમેદવારો મેદાનમાંથી હટી જતાં ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જુજવા બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા જ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.
પંચમહાલના શહેરાની બોડીદ્રા ખુર્દ-૨ તાલુકા પંચાયત બેઠક પર મતદાન પહેલા જ ભાજપની જીત થઈ છે. બોડીદ્રા ખુર્દ-૨ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર આશાબેન પટેલીયા બિનહરીફ જાહેર થયા છે. અપક્ષ ઉમેદવાર શોભનાબેન બારીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર આશાબેન બિનહરીફ જાહેર થયા છે.
ભાવનગરમાં મહાનગરપાલિકાની 52 સીટો માટે 426 ફોર્મમાંથી 274 ફોર્મ વિસંગતાઓને કારણે અમાન્ય થયા છે. જ્યારે 152 ફોર્મને ચૂંટણી તંત્રએ માન્ય રાખ્યા. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6 ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર ઉષા તળરેજા બિનહરીફ ચૂંટાયા છે.
હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર નિર્મલ ભોજાણી બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, મોંઘવારી સાથે ગોઠવણના ભાવ પણ વધ્યાં છે.




