શરદ પૂનમની રાતે ચંદ્ર નીચે મૂકેલા દૂધ પૌંઆ ખાવાના છે અઢળક ફાયદા, એક જ દિવસ થાય છે આ ચમત્કાર


આજે શરદ પૂનમ છે. શરદ પૂનમ એટલે દૂધ પૌંઆ ખાવાનો ઉત્સવ. આ દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં દૂધ પૌંઆ બનાવીને ખાવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે શરદ પૂનમે દૂધપૌઆ ખાવાથી આરોગ્યને કેટલા ફાયદા થાય છે. આ દૂધ પૌંઆ એક ચમત્કારિક દવા તરીકે કામ કરે છે. આ દિવસ દૂધ પૌંઆ ખાવાનું ન માત્ર ધાર્મિક મહત્વ છે, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે.
દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો પ્રકાશ અમૃત સમાન હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્ર જોવાથી આંખના વિકારો દૂર થાય છે અને આ રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખેલ દૂધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય સારું રહે છે.
શીતળ ચાંદનીમાં તૈયાર થયેલાં પૌંઆને ઔષધ તરીકે પણ માનવામાં આવે છે. અને આ દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટીવ ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ. ચંદ્રના શીતળ કિરણોથી પકવેલા દૂધ પૌઆ આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય નિરોગી રહી શકાય છે. શરીરમાંથી પિત્તના રોગમાંથી મુક્તિ મળે છે. દુધ-પૌંઆ એ પિત્તનાશક છે. વળી, દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે.
તેનો બીજો ફાયદો એ પણ છે કે, ભાદરવો મહિનો શરીરમાં પિત્ત ઉભો કરતો મહિનો છે. ભાદરવામાં સખત તાપ પડે છે તો ઋતુ બે ઋતુ પણ થાય છે. આ દિવસો દરમિયાન પિત્ત થવાની સંભાવના વધારે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો સર્જાય છે. દૂધપૌઆ આ પિત્તને મારવાનું કામ કરે છે.


