અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા


અમદાવાદમાં લાંબા વિરામ બાદ ગુરુવારે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું છે. માત્ર ત્રણ કલાકના ભારે વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે ઓફિસ સમય દરમિયાન ભારે વરસાદને કારણે નોકરી-ધંધાર્થે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.હવામાનમાં આવેલા અચાનક પલટા વચ્ચે અમદાવાદના કોર્પોરેટ રોડ, શિવરંજની, નહેરૂનગર, આનંદનગર રોડ, શ્યામલ ચાર રસ્તા, વેજલપુર, થલતેજ, શીલજ સર્કલ, આશ્રમ રોડ, સીજી રોડ, બોપલ, સિંધુભવન, શેલા, ઘુમા, ચાંદખેડા, જીવરાજપાર્ક, વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ, નવરંગપુરા, રાણીપ, વાડજ અને સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા.
માણેકબાગ ચોક, અખબારનગર, વૈષ્ણવદેવી સર્કલ અને બોપલ વિસ્તારમાં માત્ર ત્રણ કલાકના વરસાદમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે એસજી હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિકજામ સર્જાયા હતા. સર્વિસ રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજનું જળસ્તર 134 ફૂટ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ જળસ્તર ઘટાડવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બેરેજનું લેવલ 134 ફૂટથી ઘટાડીને 127 ફૂટ સુધી લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાઓમાં રજાનો નિર્ણય આચાર્યો પર છોડતા વિવાદ સર્જાયો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવી કે રજા જાહેર કરવી તે અંગેનો નિર્ણય સંબંધિત શાળાના આચાર્યોને લેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે DEOના આ નિર્ણયને લઈને વાલીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.




