વાપીમાં 17 ઈંચ વરસાદ, ઓરંગા નદીમાં પૂર, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા, 365 રસ્તા બંધ


વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 23 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ વાપીમાં એકલા 17 ઈંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર દૃશ્યો સર્જાયા છે. શહેરના હાર્દ સમા ગુંજન વિસ્તાર સહિત અનેક નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છરવાડા, અંબા માતા મંદિર અને નામધા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
પટેલ સમાજની વાડી નજીક પાર્ક કરેલી અનેક કારોમાં પાણી ઘૂસી જતાં વાહનોને નુકસાન થયું છે. છરવાડાના કેટલાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ અડધા સુધી પાણી ભરાઈ જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વાપીની સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં પણ અંદાજે 7થી 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સમગ્ર સ્કૂલ કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે.ધરમપુર વિસ્તારમાં 20 ઈંચથી વધુ વરસાદ વરસતાં ઓરંગા નદી ગાંડીતૂર બની છે. નદીના પૂરના પાણી વલસાડ શહેરમાં ઘૂસી જતાં શેઠીયાનગર સહિત અનેક રહેણાક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. કેટલીક બિલ્ડિંગોમાં તો એક માળ સુધી પાણી ભરાઈ જવાના દૃશ્યો સામે આવ્યા છે. શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે.
વલસાડના દાણા બજાર વિસ્તારમાં પણ ભારે પાણી ભરાઈ જતાં અનેક કારો પાણીમાં ડૂબી ગઈ હતી. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ઓરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે કાશ્મીરાનગર અને બરૂડિયા વાળ વિસ્તારમાં રહેતા લોકોને અડધી રાતે સાયરન વગાડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક ટીમોએ તાત્કાલિક સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી. સ્થળાંતર કરાયેલા તમામ લોકોને રામલલા મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
અવિરત વરસાદને કારણે વલસાડ જિલ્લાના જળાશયો પણ છલોછલ થઈ ગયા છે. મધુબન ડેમમાં ઐતિહાસિક 3 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું જળસ્તર 75.65 મીટર સુધી પહોંચી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 10 દરવાજા 6 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 2.65 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે દમણગંગા નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારે ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 365 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક માર્ગો ખોરવાઈ જતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરી છે.ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે. અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.




