GUJARAT

દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ, વનતંત્ર દ્વારા નવ દિવસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

દિવાળીના વેકેશનમાં ગીરમાં સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ આવે છે. તહેવારો દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે વન વિભાગ દ્વારા સિંહોના વસવાટવાળા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જંગલ કરતા બહારના વિસ્તારોમાં સિંહ વધુ હોવાથી તહેવાર સમયે બહારતી આવતા લોકો સિંહોની પજવણી ન કરે અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે 18થી 26 સુધી વન વિભાગના સ્ટાફને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના આદેશ થયા છે.

મુળ ગીરની બોર્ડર પરના હાલમાં ધંધાર્થે બહારના શહેરોમાં વસવાટ કરતા લોકો દિવાળીના તહેવારમાં ગામડે આવી જાય છે. મોટાભાગના ગામડાઓ લોકોથી ભરાઇ જાય છે.આ ઉપરાંત ગીરની બોર્ડર પરના ગામડાઓમાં સગા-સબંધી ધરાવતા લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે. તહેવારોમાં રજા હોવાથી ગીરની બોર્ડર પરના ગામડાઓમાં લોકોનો ભારે જમાવડો થાય છે. સિંહ જોવાનો ક્રેઝ દિવસે-દિવસે વધી રહ્યો છે. સાસણ જંગલ સફારી,દેવળીયા સફારી પાર્ક તથા ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન થઇ શકે છે પરંતુ અમુક લોકો ગેરકાયદેસર સિંહ દર્શન માટેની પ્રવૃતિ કરતા હોય છે જેમાં સિંહોની પજવણી થવાની પણ શક્યતાઓ થાય છે.

વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવાશે

સિંહોની પજવણી અને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે ગીર પશ્ચિમ, ગીર પૂર્વ,જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ,ભાવનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ શરૂ થઇ જશે. દિવાળીના મિની વેકેશનના નવ દિવસ સુધી વનતંત્ર દ્વારા રેવન્યુ વિસ્તારમાં જ્યાં સિંહનું લોકેશન હોય તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવશે.

દિવાળી પૂર્વે વનતંત્ર રેડ એલર્ટને લઇને સજ્જ થયું છે, રેન્જ વાઇઝ પેટ્રોલિંગ માટેની અલગ-અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. અલગ-અલગ ટીમ અલગ-અલગ વિસ્તારમાં સાંજથી લઇ બીજે દિવસે સવાર સુધી પેટ્રોલિંગ કરશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button