બ્લાસ્ટ બાદ બંધ રહેશે દિલ્હીનો લાલ કિલ્લો, જાણો કેટલાં દિવસ, આસપાસમાં હાઇ એલર્ટ


ગઇકાલે સોમવારે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો. જેના લીધે રાજધાની દિલ્હીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાને કારણે વ્યાપક ગભરાટ આખા દેશમાં છે અને ઘટના બનતા જ દિલ્હી પોલીસ, ફોરેન્સિક ટીમો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ ચાલી રહી છે. સુરક્ષાના કારણોસર આજથી લાલ કિલ્લાને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે આજે 11 નવેમ્બરના રોજ નેતાજી સુભાષ માર્ગ અને સર્વિસ રોડની બંને બાજુ બંધ કરી દીધી છે. ચટ્ટા રેલ કટથી સુભાષ માર્ગ કટ સુધી કોઈપણ વાહનોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ સવારે 6 વાગ્યાથી આગામી સૂચના સુધી અમલમાં રહેશે. ટ્રાફિક પોલીસે મુસાફરોને વિક્ષેપ ટાળવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
વિસ્ફોટ પછી તરત જ દિલ્હી પોલીસે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી હતી. IGI એરપોર્ટ, ઇન્ડિયા ગેટ, સંસદ ભવન અને સરહદી વિસ્તારોમાં ચેકિંગ કડક કરવામાં આવ્યું છે. દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે. અને પોલીસે લોકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે.
આ ઘટના બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સુરક્ષા કારણોસર આગામી ત્રણ દિવસ માટે લાલ કિલ્લો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રવાસીઓ કે નાગરિકોને સંકુલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અધિકારીઓનું કહેવું છે કે તપાસ અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ અવરોધ ન આવે તે માટે આ નિર્ણય ફક્ત સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે.
ડીસીપી ઉત્તર રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે “યુએપીએ, વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (BNS) હેઠળ FIR નોંધવામાં આવી છે. તપાસ શરૂ થઈ ગઈ છે અને દિલ્હી પોલીસ, એફએસએલ, એનએસજીની ઘણી વિશેષ ટીમો ઘટનાસ્થળે હાજર છે.” તેમણે કહ્યું “અમે તપાસમાં મદદ કરવા માટે તમામ શક્ય પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. તપાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. તેના પર ટિપ્પણી કરવી હાલ શક્ય નથી. LNJP ખાતે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યા છે. પાંચ પોસ્ટમોર્ટમ પહેલાથી જ કરવામાં આવ્યા છે. અમારી પાસે એક કે બે અજાણ્યા મૃતદેહો છે. અમે છ મૃતદેહોની ઓળખ કરી લીધી છે.”




