ગાંધીનગરમાં રાજકીય પક્ષોને ફંડ આપનાર અને મોટા ગજાના નેતાના ઘર સહિત 3 ઠેકાણે IT વિભાગના દરોડા

ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. દેશના આવા ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ રૂ. 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બુધવારે (12 નવેમ્બર) વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે.
જે પક્ષોને ચૂંટણીમાં ખૂબ ઓછા મત મળે છે, તેમને ‘રજિસ્ટર્ડ અમાન્ય’ પક્ષો કહેવાય છે. આ પક્ષો ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ હોય છે, પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના આવા પાંચ પક્ષોને કુલ 17 ઉમેદવાર ઊભા રાખવા છતાં માત્ર 22 હજાર મત મળ્યા હતા. ADRના રિપોર્ટ મુજબ, 2019-20 થી 2023-24 દરમિયાન આ 5 પક્ષોની કુલ આવક રૂ. 2316 કરોડ છે, જ્યારે એક વર્ષની સરેરાશ આવક રૂ. 1158 કરોડ છે.




