754 KG નકલી પનીર પકડાયું, છતાં Surat ની ડેરીને સીલ ન મરાયું; લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં!


સુરત શહેરમાંથી 754 કિલો નકલી પનીર ઝડપાવાના ગંભીર મામલામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જે ગોડાઉનમાંથી આટલી મોટી માત્રામાં નકલી પનીર મળ્યું હતું, તે ડેરી કે દુકાનને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે દુકાનદાર દ્વારા પનીરનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
સુરત આરોગ્ય વિભાગે મોટી માત્રામાં (754 કિલો) નકલી પનીર ઝડપી પાડ્યું હોવા છતાં, કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ડેરી કે ગોડાઉનને બંધ કરવામાં આવ્યું નહોતું. આ બેદરકારીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહ્યા.આ મામલે વિવાદ વધતાં અને તંત્રને ‘ભ્રમજ્ઞાન’ થતાં, ડેરીને સીલ મારવાના બદલે અધિકારીઓએ ત્યાં જઈને ફરીથી સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. આ હાસ્યાસ્પદ કાર્યવાહીથી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા વધુ સ્પષ્ટ થાય છે.
અધિકારીઓ ‘ધૂતરાષ્ટ્ર’ની ભૂમિકામાં
સમગ્ર બનાવ અંગે જ્યારે મીડિયા દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ મૌન ધારણ કરી લીધું હતું. લોકોના સ્વાસ્થ્ય જેવા ગંભીર મામલામાં અધિકારીઓ ‘ધૃતરાષ્ટ્ર’ની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ડેરીની બહાર પાણીપુરી અને અન્ય ફૂડની લારીઓ ઊભી કરીને દબાણ પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સાબિત કરે છે કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાના મામલે તંત્ર ગંભીર નથી.




