અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર: CM ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશ્નર પાણીમાં ઉતર્યા, આખું તંત્ર મેદાને…


અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે શહેરમાં આફતનું રૂપ લીધું છે. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે અને અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સ્થિતિ બેકાબૂ બનતા તંત્ર દ્વારા આર્મીને મેદાનમાં ઉતારવામાં આવી છે. વરસાદી સંકટને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલ આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારની મુલાકાત લીધી છે. જે સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં છે ત્યાં સીએમ ખુદ પહોંચ્યા હતા. ખાસ કરીને બોપલની સેન્ટોસા સોસાયટીમાં પહોંચીને તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી હતી, તેમની હાલાકી જાણી હતી અને વહીવટી તંત્ર દ્વારા શક્ય એટલી ઝડપથી પાણીના નિકાલની ખાતરી આપી હતી.શહેરમાં હજુ પણ અનેક ઠેકાણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવા ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. તેમણે ઘુમા, બોપલ અને થલતેજ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે અમદાવાદના મેયર હિતેષ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
અધિકારીઓ અને મંત્રીઓનું શું કહેવું છે?
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પ્રભારી મંત્રી અને મનપા કમિશનરે શહેરની વર્તમાન સ્થિતિ અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “શહેરમાં અનરાધાર વરસાદથી વિકટ પરિસ્થિતિ બની છે. પરંતુ લોકોની મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તમામ ટીમો ખડેપગે છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.”
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, “સતત વરસી રહેલા વરસાદના લીધે શહેરની પરિસ્થિતિ બગડી છે. શહેરમાં અનેક જગ્યાએ સીવેઝ લાઈન ચોકઅપ થઈ જવાના લીધે પાણીના નિકાલમાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે પરિસ્થિતિ વધુ વણસી છે. તંત્ર દ્વારા લાઈનો ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે.” હાલમાં સરકાર, મનપા તંત્ર અને આર્મીના જવાનોના સંયુક્ત પ્રયાસોથી શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.




