દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે તેમના ખાનગી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં આતંકવાદી હુમલાની તપાસની પ્રગતિ અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં NIAના ડિરેક્ટર જનરલ, ગુપ્તચર બ્યુરો (IB)ના ડિરેક્ટર, ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની અને અન્ય મુખ્ય શહેરોમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની વિગતો રજૂ કરવામાં આવી હતી. શાહે અધિકારીઓને કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવા અને સંવેદનશીલ સ્થળોએ તકેદારી વધારવા નિર્દેશ આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહનો ગુરુવારે ગુજરાતનો નિર્ધારિત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ભાજપના અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ હવે તેઓ હાજરી આપશે નહીં. એવું માનવામાં આવે છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ ગંભીર સુરક્ષા પરિસ્થિતિને કારણે તેમણે દિલ્હીમાં જ રહેવાનો નિર્ણય લીધો છે.
ભાજપના નેતા અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પ્રવક્તા બિમલ જોશીએ જણાવ્યું હતું કે શાહને મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોશીએ કહ્યું, “ગૃહમંત્રીની અમદાવાદ અને મહેસાણાની મુલાકાત રદ કરવામાં આવી છે, પરંતુ તેઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે.”




